સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

સહકારી સંસ્થાઓ હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરીઃ રાજનાથસિંઘ

કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં અમરેલીમાં સહકારી સંસ્થાઓની સાધારણ સભાઃ પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિઃ દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં કાર્યક્રમઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમરેલીઃ તસ્વીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘ, પરસોમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી સહીતનાની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સહકારી વિભાગ ક્ષેત્રે કાર્યરત હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા જે નજરે પડે છે. (૪.૧૧)

અમરેલી, તા., ૨૨: અમરેલીમાં આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંઘ અને પરસોતમભાઇ રૂપાલાનું આગમન થયું હતું અને પુર્વ રાજયમંત્રી દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં સહકારી મંડળીઓની સાધારણ સભા યોજાઇ હતી.

આ તકે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે જણાવ્યું હતું કે સહકારી પ્રવૃતિઓને કેન્દ્ર અને રાજય સરકાર પ્રોત્સાહન આપે છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજયોમાં સહકારી વિભાગે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ક્રાંતી સર્જી છે.

રાજનાથસિંઘે વધુમાં જણાવ્યું હતું કે સહકાર વિભાગ ખેડુતોના હિતમાં અનેક કાર્ય કરે છે ત્યારે હવે સહકારી સંસ્થાઓ હાઉસીંગ ક્ષેત્રે ઝંપલાવે તે જરૂરી છે.

આ તકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ અમરેલી જીલ્લામાં સહકારી સંસ્થાઓ દ્વારા થતી કામગીરીને બિરદાવી હતી.

સ્વાગત પ્રવચન પુર્વ રાજયમંત્રી દિલીપભાઇ સંઘાણીએ કર્યુ હતું.

નાફસ્કોબના ચેરમેન અને દેશના વરિષ્ઠ સહકારી આગેવાનશ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વમાં અમરેલીની જિલ્લા બેન્ક તથા અમર ડેરી જિલ્લા સંઘ સહિત ૧૧ કો-ઓપરેટીવ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહીતના કાર્યક્રમોમાં  યોજાયા હતા.

આ બેઠક અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુ સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સવારે નવ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી ખેડુત તાલીમ ભવન ખાતે યોજાઇ હતી.

અમરેલીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી રાજનાથસિંઘનું આગમન થનાર હોય પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમરેલીના ચિતલ રોડ ઉપરથી લઇ ખેડુત તાલીમ ભવન સુધીના રૂટ ઉપર એક ડીવાયએસપી એક ડઝન ઉપરાંતના પોલીસ અધિકારીઓ તથા બસો જેટલા સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી અમરેલીનો કાર્યક્રમ પુર્ણ કરીને વડોદરા જનાર છે. જયાં સાંજે ૪ વાગ્યે શ્રીજીના દર્શન કરશે અને પ વાગ્યે ભાજપના કાર્યકરો સાથે વિચાર ગોષ્ઠી કરશે.(૪.૧૦)

(3:59 pm IST)