સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

મોરબીમાં ઉર્જા ક્ષેત્ર હેઠળની જેટકો સર્કલ ઓફીસ આપવા ધારાસભ્યએ માંગણી કરી

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરી તાકીદે સર્કલ ઓફિસ મોરબીને ફાળવવા માંગણી કરી

મોરબી એ ઔધ્યોગિક ક્ષેત્રે વિકસી રહેલ સૌરાષ્ટ્રનું અગ્રીમ હરોળનું મથક છે. મોરબીમાં ઉર્જા વિભાગના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિભાગ / પેટા વિભાગની કચેરીઓ પણ નવી મંજૂર કરવામાં આવી છે. તે જોતાં મોરબીને જેટકોની સર્કલ ઓફિસ મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરી તાકીદે સર્કલ ઓફિસ મોરબીને ફાળવવા માંગણી કરી છે.
ઉર્જા ક્ષેત્રનું રેવન્યુ પોકેટ ગણાતું મોરબી આવનારા દિવસોમાં પણ ઔધ્યોગિક રીતે વધુ વિકસવાનું છે અને આવનારા પાંચ વર્ષમાં ૪૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનો પણ ઊભા કરવાનું આયોજન થયું છે. તે જોતાં મોરબીને GETCO ની સર્કલ ઓફિસ મળે તે ખૂબ જ જરૂરી છે. હાલ મોરબી ગોંડલ ખાતેની GETCO ની સર્કલ કચેરી સાથે જોડાયેલ છે. આમ GETCO ને લગતા રોજમરોજના પ્રશ્નો ઉકેલવા મોરબીથી છેક ગોંડલ સુધી જવા આવવામાં સમયનો વ્યય થાય અને વહીવટી પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય તે સ્વાભાવિક છે. તે જોતાં તાકીદે મોરબીને GETCO ની સર્કલ ઓફિસનું મથક મળે તે ખૂબ જ જરૂરી છે.

(8:30 pm IST)