સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

ચોટીલામાં વર્ષો જુનો ધારાવાડીનો ધાર્મિક રિવાજ

ચોટીલા ગામના ફરતા પાદરમાં સુતરનો તાંતણો બાંધી ગામના અપુજ દેવી દેવતાઓને સિંદુર ચડાવી શ્રીફળ વધેરાય છેઃ ગામમાં કોઇ મોટી આફત ના આવે કે રોગચાળો ના પ્રવેશે તે માટે ગામના સીમાડામાં રક્ષારૂપી સુતરનો દોરો બાંધવામાં આવે છે

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૧:  ચોટીલા પંથક એટલે વિવિધ દેવી દેવતાઓની પ્રાચિન ભૂમિ. આ પંથકમાં જગવિખ્યાત માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે જયારે ચોટીલામાં અત્યારે પણ ૭૦ વર્ષથી વધુ સમયથી અનેક ધાર્મિક પરંપરાઓ આજે આ ઇન્ટરનેટના મોર્ડન યુગમાં પણ જળવાઇ રહી છે જેમાંની એક ધાર્મિક પરંપરા છે દર વર્ષે અષાઢ મહીનામાં ધારાવાડી આપવાની પરંપરા આજે પણ જળવાઇ રહી હતી અને મંગળવારે ચોટીલામાં ધારાવાડી કરવામાં આવી હતી.

ચોટીલા ના વિવિધ મઢો માં બીરાજમાન વિવિધ માતાજીઓના ભુવા, પઢિયારો અને આ ગામ ના રાવળ દેવો દ્વારા દર વર્ષે અષાઢી માસમાં ધારાવાડી આપવામાં આવે છે.

આ ધારાવાડી એટલે ચોટીલા ગામના ફરતા સીમાડા ઉપર જે પણ દેવી દેવતાઓ, શુરધન, શુરાપુરા, સતીમાતાઓના નાના દેરા આવ્યાં હોય ત્યાં સિંદુર, શ્રીફળ વડે પુજા કરવામા આવે છે. અને ગામ ફરતી દુધની ધાર કરી સાથે સાથે ગામ ફરતો સુતર નો દોરો બાંધવામાં આવે છે.

આ દોરો બાંધવાનો મતલબ કે ગામ ફરતો સુતર નો દોરો બાંધવાથી ગામ માં કોઇ મોટો રોગચાળો, કોઇ મોટી આફત કે સંકટ ના આવે અને ગામના લોકો તથા પશુ પક્ષીઓ જેવા અબોલ જીવોની પણ રક્ષા થાય.

બાદમાં ગામમાં રાવળ દેવોના ડાકલાની રમઝટ વચ્ચે માતાજીના છંદ બોલતા બોલતા સાઠ જેટલા ભુવાઓ અને પઢિયારો અને માઇભકતો ની નગરયાત્રા નીકળે છે અને ચોટીલાના વિવિધ ચોકમાં ભુવાઓને ચાબખા મારવામાં આવે છે ત્યારે ખમ્મા મારી માડીને ખમ્મા બોલતા માઇભકતો અને પ્રચંડ પણ મધુર સ્વરે રાવળ દેવોના ગળેથી રેલાતા માતાજીના છંદ, સ્તુતિઓ અને ગુગળના ધુપ ધુમાડાથી આ દ્રશ્ય જોનાર શહેરીજનો પણ અનેરા ભકિતભાવમાં ડુબી જાય છે્. જયારે ધારાવાડી પુર્ણ થયા બાદ ગામમાં સુખડીનો પ્રસાદ વહેચવામા આવે છે.

(11:55 am IST)