સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

કેશોદ નગરપાલિકાના મિલ્કત વેરા વધારાના વિરોધમાં કોંગ્રેસનું ચિફ ઓફિસરને આવેદન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૨ : કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા મિલ્કત વેરામાં દશ ટકા જેટલો વધારો કરવામાં આવતાં શહેરીજનો માં રોષ ફેલાયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે.

કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રજુઆત કરતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ અને ન.પા. વિરોધ પક્ષના નેતા અજીતસિંહ વેગડે જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ, શહેરીજનો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા પણ વિવિધ રાહત આપવામાં આવી છે. એવાં સંજોગોમાં નગર પાલિકાના સતાધિશો પાસે શહેરીજનો રાહતની અપેક્ષા રાખી રહયા હતા. તેના બદલે મહામારીની ભયંકર મંદીમાં મિલ્કત વેરામાં દશ ટકા જેવો વધારો નાખતા શહેરીજનોમાં રોષ ફેલાયેલછે. ત્યારે આ વધારો પરત ખેંચી મિલ્કત વેરામાં રાહત જાહેર કરવાની શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવેલછે કોરોના મહામારી કાબુમાં લેવા માટે કેશોદ શહેરના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા સાંકળ તોડવા પુરતો સહકાર આપ્યો હતો. પરિણામ સ્વરૂપે કેશોદ શહેરમાં કોરોના મહામારી ને નાથી શકવામાં સફળતા મળી છે. પરીણામે મહામારીને લઈને માર્કેટમાં તમામ ધંધાર્થીઓ સતત મંદીનો સામનો કરી રહેલછે. ત્યારે મિલ્કત વેરાનો વધારો પરત ખેંચી કેશોદ શહેરમાં આવેલી તમામ વાણિજય હેતુની મિલ્કતોમાં ૫૦% વેરામાં રાહત આપવામાં આવે એવી માંગ કરી છે. ત્રણ દિવસ માં હકારાત્મક અભિગમ અપનાવીને વેરામાં ઘટાડો કરવામાં નહીં આવે તો શહેરીજનોને સાથે રાખી નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રાહ લેવામાં આવશે તેવી ચીમકી આવેદનપત્રના અંતે શહેર કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.

(1:20 pm IST)