સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

વાવણી માટે તૈયાર ધરતીપુત્રો છતા ભીમ અગીયારસ કોરી જતા સામાન્ય નિરાશ

'ઓરવીને' વાવેતર કરનારા ખેડુતો પણ મુંઝવણમાં

(વિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૨: સામાન્ય રીતે દર વર્ષે ભીમ અગીયારસ સુધીમાં થઇ જતી વાવણી માટે આ વર્ષે પણ ધરતીપુત્રો તૈયાર હતા પરંતુ મેઘરાજાએ બહુ પ્રેમ નહિ બતાવતા વાવણી થઇ શકી નથી આથી આ વિસ્તારના ખેડુતોમાં સામાન્ય નિરાશા ઉભી ઉભી થઇ હતી બીજી તરફ સમયસર વરસાદની આશાએ ઓરવી તે વાવેતર કરનારા પણ ભારે મુંઝવણ અનુભવી રહયા છે.

સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જુન આસપાસ અને દેશી મહિના મુજબ વાત કરીએ તો ભીમ અગિયારસ સુધીમાં મેઘરાજાનું આગમન થઇ ગયુ હોય છે. અને ૫-૭ ઇંચ જેવો વરસાદ વરસી જતા આ વિસ્તારનો ચોમાસુ પાક મગફળીની વાવણી પણ થઇ થયેલી હોય છે. આ ક્રમ વર્ષોથી ચાલ્યો આવે છે અને ભીમ અગિયારસ ઉપર વરસાદ થયો હોય તો તે સમયસર અને સારા ચોમાસાની શુભ નિશાની પણ મનાય છે.

પરંતુ આ વર્ષે દર વર્ષના સરેરાશ વરસાદની સરખામણીમાં ૧૦૬ ટકા જેવા વરસાદની આગાહી વચ્ચે પણ સામાન્ય છાંટા સિવાય ભીમ અગિયારસ કોરી ગયેલ છે મેઘરાજાના આગમન પહેલાનુ જે આકાશી વાતાવરણ બંધાવુ જોઇએ તે હજુ બંધાતુ નથી, વરસાદ સમયસર થઇ જશે તેવી આશાથી ખેડુતોએ પણ વાવણી કરવા માટેની પુરી તૈયારી કરી રાખેલી છે.  કહો કે આજે ચાર પાંચ ઇંચ વરસાદ થઇ જાય તો આવતીકાલે સવારથી જ વાવણીની કામગીરી શરૂ થઇ જવાની સ્થિતીમાં છે કોઇની પણ રાહ જોવાપણું નથી.

બીજી તરફ 'ઓરવીને' મગફળીનું વાવેતર કરનારા ખેડુતો પણ અત્યારે ઠીકઠીક પ્રમાણમાં મુંઝવણ અનુભવી થોડા પાણીની સગવડતા હોય સમયસર વરસાદ થઇ જશે તેવી આશામાં વરસાદના આગમન પહેલા ૨૦ થી ૩૦ દિવસ વહેલા ઘણા ખેડુતોએ પોતાની શકિત અને જાણકારી મુજબ મગફળીનું વાવેતર કરી દીધુ છે હવે આવા ખેડુતો પણ અત્યારે ખરી મુંઝવણ અનુભવી રહયા છે. વાવેતર તો કરી દીધુ પરંતુ ગરમીના કારણે જમીન તણાપ જાય છે એકાદ પાણી આપી શકાય તેટલુ પાણી હોય તે આપી દીધુ હવે બીજા પાણી માટે કટોકટી ઉભી થઇ રહી છે હવે જો આ વાવેતરને સમયસર પાણી ના મળે તો વાવેલુ બિયારણ બળી જાય અને નવેસરથી વાવણી માટેની બધી વિધિ કરવી પડે. આ સ્થિતી વચ્ચે આવા ખેડુતો પણ અત્યારે મુંઝવણ અનુભવી રહયા છે. વરસાદ તાત્કાલિક આવે તેવી પ્રાર્થના કરી રહયા છે.

(10:21 am IST)