કચ્છનાં સમખીયાળી પાસે અકસ્માતમાં પતિની નજર સામે પત્નિનું મોત : પુત્રનો બચાવ
ભૂજ, તા. રર : કચ્છના રાપરથી બાઇક ઉપર મોરબી પરત જઈ રહેલા પરિવારને ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સામખિયાળી ટોલ પ્લાઝા પાસે ટ્રાફીક જામ હોઈ ઉભેલી બાઇકને ટ્રકે પાછળથી ધક્કો માર્યો હતો.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે મૂળ રાપરના અને હાલે રાજકોટ મોરબી હાઇવે ઉપર ખાનગી કંપનીમાં કામ કરતા અને મોરબીમાં રહેતા નથુભાઈ ગોપાલ ભટ્ટી (ઉ.૩૨) તેમની પત્ની સોનલબેન (ઉ.૩૦) અને પુત્ર ધૈર્ય (ઉ.૫) સાથે પરત મોરબી જઈ રહ્યા હતા ત્યારે સામખિયાળી ટોલ પ્લાઝા પાસે ટ્રાફીક જામ હોઈ તેઓ વાહનો પસાર થાય તેની રાહમાં ઉભા હતા ત્યારે પાછળથી આવેલી ટ્રકે તેમની બાઇકને હડફેટે લેતા બાઇક પડી ગયું હતું અને પત્ની તેમ જ પુત્ર નીચે ફંગોળાયા હતા, જેમાં પત્ની સોનલબેન ઉપર ટ્રકના ટાયરનો જોટો ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું.
પતિ અને પુત્રની નજર સામે જ સોનલબેનનું મોત નિપજતા બનાવના સ્થળે આક્રંદ છવાયો હતો. પોલીસે ગુનો નોંધીને અકસ્માત બાદ નાસી છૂટેલા ટ્રક ચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત ગ્રસ્ત પરિવારની વ્હારે લાકડીયા ગામના ભીમસેવકો આવ્યા હતા.