સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

ઓખામાં બાળકોને ઉઠાવી જતી ટોળકી સમજીને ર યુવકોને ઢીબી નાખ્યાઃ ૧૬ શખ્સો સામે ગુન્હો

દ્વારકા-ખંભાળીયા તા. રર : ઓખા સહિતના વિસ્તારોમાં કેટલાક શખ્સોની ટોળીકી નાના બાળકોનું અપહરણ કરી જતી હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે ગઇકાલે ઓખાની રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કામ કરવા આવેલા ત્રણેક શખ્સો સામે સ્થાનીક રહીસોને શંકાઓ જવા પામી હતી.

આના અનુસંધાને અસલમ, અભુ, અનવર ઉર્ફે એન્થોની, આશીફ, રાહુલ, ગોપાલ તથા અન્ય દશેક જેટલા શખ્સોએ ઓખામાં આવેલા નાગાભાઇ રાયશીભાઇ સોલંકી(રહે. રાણાવાવ), તથા ઉદયલાલ રાજપુત તથા ઇશવર્ષ મધુઇશરામ નામ ધરાવતા ત્રણ આસામીઓને બાળકો ઉપાડતી ટોળકી સમજીને ઘાતક હુમલો કર્યો હતો.

આરોપીઓ દ્વારા ભોગ બનનાર નાગાભાઇ સોલંકી તથા અન્ય આસામીઓ ઉપર ગેરકાયદેસર મંડળી રચી કમરે બાંધવાના પટ્ટા તથા ઢીકા-પાટુ વડે ઢોર માર મારી જીવલેણ હુમલો કર્યાનું બહાર આવેલ છે.

આ સમગ્ર બનાવ અંગે ઓખાના ભરતભા બાલુભા માણેકની ફરીયાદ પરથી ઓખા મરીન પોલીસે દશ અજણ્યા મળી કુલ સોળ શખ્સો સામે આઇ.પી.સી.કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૩, પ૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. વી.એમ.ઝાલાએ હાથ ધરી છે.

(12:01 pm IST)