સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

ઉનાના સનખડાના ખેતરમાં ગાંજો ઉગાડવા મામલે 16 છોડ સાથે ખેડૂતની ધરપકડ : 97 હજારનો મુદામાલ જપ્ત કરાયો

બાતમીના આધારે પાંચા રામ ગોહિલને ઝડપી પાડી 32 કિલો 370 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા ગામે ખેતરમાંથી ગાંજાના 16 છોડ સાથે પોલીસે એક ખેડૂતની ધરપકડ કરી હતી. સનખડાના ખેડૂત પાંચા રામ ગોહિલે વાડીમાં ગાંજો ઉગાડ્યો હોવાની બાતમીના આધારે પોલીસે પાંચા રામ ગોહિલને ઝડપી પાડી 32 કિલો 370 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

  અંગેની વિગત મુજબ ગીર સોમનાથ એસઓજી દ્વારા ગેરકાયેદસર રીતે કેફી પદાર્થોનું વેચાણ કરતા શખ્સોની શોધખોળ કરી રહ્યાં હતા. દરમિયાન ગત 21મી તારીખના રોજ તેઓ ઉના પંથકમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને સનખડાના ખેડૂતે ગાંજો ઉગાડ્યો હોવાની બાતમી મળી હતી.
  
પોલીસે ખેતરમાં જઈને તપાસ કરતા ખેડૂતે કેળના છોડની વચ્ચે એક છેડે ગાંજો ઉગાડ્યો હતો. ઉગાડેલા ગાંજાના છોડને ખેડૂતે સુકાવવા રાખેલો હતો ત્યારે પોલીસે ત્રાટકી અને ખેડૂતને જબ્બે કર્યો હતો.
 
પોલીસે મામલે નાર્કોટિક્સનો ગુનો નોંધી અને રૂ. 97 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગીર સોમનાથ એસઓજીએ ઉના પોલીસને સાથે રાખીને કરેલી કાર્યવાહીમાં ખેડૂતની ધરપકડ કરવામાં આવી.

(11:43 pm IST)