સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

જુનાગઢના ૩૮ સીનીયર સીટીઝનોને દુબઇના પ્રવાસે નહિ લઇ જઇ સુનીલ તન્નાનો રૂ.ર૦.૯૦ લાખનો ધુંબો

ટ્રાવેલ ટાઇમ સામે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ

જુનાગઢ તા. રર : જુનાગઢના તા. ૩૮ સિનીયર સીટીઝનોને દુબઇના પ્રવાસે નહિ લઇ જઇ ટ્રાવેલ ટાઇમના સુનીલ તન્નાએ રૂ. ર૦.૯૦ લાખનો ચુનો ચોપડી દેતા સીનીયર સીટીઝનો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

આ અંગેની વિગતો એવી છેકે, જુનાગઢમાં નવા નાગરવાડા શેરી નં. ર ખાતે કાર્યરત સીનીયર સીટીઝન મંડળના ૩૮ સભ્યોએ દુબઇ પ્રવાસમાં જવાનું નકકી કરેલ.

આ માટે જુનાગઢમાં નહેરૂપાર્ક સોસાયટી ખાતે રહેતા ટ્રાવેલ ટાઇમના સુનીલ તન્નાએ જુનાગઢમાં જ નહેરૂપાર્ક સ્થિત તક્ષશિલા એપાટર્ટમેન્ટ બ્લોક નં. ૭૦૯માં રહેતા ગોવિંદભાઇ નરસિંહભાઇ મોવલીયા (ઉ.૬ર) સહિત ૩૮ સીનીયર સીટીઝનોને દુબઇ પ્રવાસમાં લઇ જવાનો વિશ્વાસ અને ખાત્રી આપી એક સભ્ય પાસેથી રૂ.૬૬ હજાર લેખે ૩૮ સભ્યો પાસેથી રૂ. રપ લાખ ૮ હજાર લઇ લીધેલ.

પરંતુ નકકી થયા મુજબ સુનીલ તન્ના તા. ર૧/પ/૧૯ ના રોજ આ સભ્યોને દુબઇ પ્રવાસે લઇ ગયેલ નહિ અને દરેક સભ્યને માત્ર રૂ.૧૧ હજાર પરત કરેલ તેમજ  શખ્સે સિનીયર સીટીઝન મંડળના ૩૮ સભ્યોના રૂ.ર૦.૯૦ લાખ પરત નહિ કરી અને પ્રવાસમાં નહિ લઇ થઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.

આ અંગે સિનીયર સીટીઝન ગોવિંદભાઇ મોવલીયાએ ગઇકાલે ફરીયાદ નોંધાવતા બી ડીવીઝનના પી.આઇ.આર. બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

ફરીયાદ ગોવિંદભાઇ મોવલીયાએ સાથેની વાતચીતમાં જણાવેલ કે નહેરૂપાર્ક સોસાયટીના નવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા સુનીલ તન્ના અગાઉ પણ સીનીયર સીટીઝનોને પ્રવાસમાં લઇ ગયો હતો. પરંતુ છેલ્લે આ શખ્સે દુબઇ પ્રવાસે નહિ લઇ જઇ ૩૮ સભ્યો સાથે રૂ.ર૦.૯૦ લાખનો ફોડ કરતા સીનીયર સીટીઝનોને મરણ મુડી ગુમાવી પડી છે.

(1:17 pm IST)