સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

જામનગરની નવી સોસાયટીઓમાં વૃક્ષ વાવેતરની જવાબદારી પૂર્ણ કરાવવા રજુઆત

જામનગર તા ૨૨  :  નગર પ્રાથમીક શિક્ષણ સમીતિના સભ્ય, જતિનભાઇ માડમે મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવીને સોસાયટીમાં વૃક્ષ વાવેતરની જવાબદારી પૂર્ણ કરાવવા માગણી કરેલ.

મહાનગરપાલીકાને આગામી ચોમાસાને ધ્યાને લઇને શહેરમાં ૪૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખી રૂપિયા ૪૦ લાખથી વધુના ખર્ચે આયોજન હાથ ધર્યુ છે. પર્યાવરણ અને સારા વરસાદ માટે વૃક્ષો આવશ્યક હોવાથી તેનું વાવેતર થાય તે આવકાર્ય છે, પરંતુ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલી સોસાયટીનું નિર્માણ થયું છે  તેના બિલ્ડર ડેવલોપર્સ દ્વારા બિનખેતી વખતે અને બાંધકામની મંજુરી પૂર્વે લેવાયેલ બાંહેધરીનો અમલવારી નિષ્ઠાપૂર્વક કરાવાય તો ૪ હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર, ઉછેર શકય બને અને તે  પણ મહાનગરપાલિકાની તિજોરી ઉપર બોજો નાંખ્યા વગર.

છેલ્લા પ (પાંચ) વર્ષમાં જેટલી સોસાયટીઓને મંજુરી આપવામાં આવી છે, તેમાંથી મોટાભાગની સોસાયટીના બિલ્ડરો અને ડેવલોપર્સ દ્વારા વૃક્ષોના વાવતેરની જવાબદારી આજસુધી નિભાવાઇ નથીે આવી સોસાયટીઓનો સર્વે કરી તેના નિર્માણકારોને નિયમ મુજબ વૃક્ષો વાવેતર અને ઉછેરની જવાબદારી નિભાવવાની ફરજ મહાનગરપાલિકાના તંત્રે પાડવી જોઇએ અને આ માટે સહકાર ન આપનારા સામે ધોરણસરનના પગલા પણ લેવા જોઇએ તેમ રજુઆતમાં જણાવાયું છે.

(11:43 am IST)