સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા ત્રિદિવસીય સંમેલન સમાપન

વેરાવળ - પ્રભાસપાટણ તા.રર : સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય ૪૯માં અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંમેલન ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતીમાં સમાપન થયેલ છે.

આ તકે કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવેલ કે આ સંમેલનમાં થયેલ ગહન ચિંતન સમાજની વ્યવહારીક મુશ્કેલીઓને દૂર કરવામાં કારગત નિવડે એવી આશા વ્યકત કરેલ. આ સંમેલનમાં તેમને બોલાવવા બદલ તેઓએ ખુશી વ્યકત કરેલ અને આ સોમનાથ સંસ્કૃત યુનિ. સાથે તેઓ ભાવાત્મક રીતે જોડાયેલ છે તેવી લાગણી વ્યકત કરેલ. તેઓએ સંસ્કૃત અને સંસ્કૃતીના વિટંબણાઓ સાથે મુલ્યોને ખૂબ જ ભાવાત્મક શૈલીમાં ભાવિકોને સમજાવેલ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે.લહેરીએ આ પ્રાચ્ય વિદ્યા સંમેલન સોમનાથ સંસ્કૃત યુનિ.માં યોજવા બદલ અભિનંદન પાઠવેલ અને વધુમાં જણાવેલ કે પ્રસિધ્ધ નવલ કથાકાર કનૈયાલાલ મુનશીના સંસ્કૃત અને સંસ્કૃતિ સંવર્ધનના પ્રયત્નોને યાદ કરી સોમનાથ ટ્રસ્ટની ગતિવિધીઓની રૂપરેખા આપેલ.આ સંમેલનના મહાસચિવ શ્રી ભાટેએ વિવિધ એકશનોમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓના નામ પ્રસિધ્ધ કર્યા અને આગામી ૫૦ મુ સંમેલન કવિ કાલીદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રામટેક (મહારાષ્ટ્ર)માં યોજાશે એવી જાહેરાત કરેલ.

કાર્યક્રમના અધ્યક્ષ સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતી પ્રો. અર્કનાથ ચૌધરીએ સૌનો આભાર વ્યકત કરેલ. તેમજ કુચીપુડી નૃત્ય કરનાર ભારતીય પ્રસિધ્ધ નર્તકી ડો.નલીની જોષીનું સન્માન કરેલ. તેમજ નગરપાલીકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ઇન્ડીયન રેયોન કંપનીના અધિકારી હરેન્દ્રસિંહ ડાંગરએ પ્રસંગોચીત પ્રવચનો કરેલા. ડો.રમાકાંત શુકલાએ સ્વરચિત સંસ્કૃત કવિતાનું ગાયન કરેલ.

(12:12 pm IST)