સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

જૂનાગઢમાં યુવતિ અને પરિણિતા પર નિર્લજ્જ હુમલો-શારીરિક છેડછાડ

રીક્ષા ચાલક અને પાડોશી સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ, તા. રર : જુનાગઢમાં બે અલગ અલગ બનાવમાં રીક્ષા ચાલકે યુવતિ પર અને પાડોશીએ પરિણિતા ઉપર નિર્લજ્જ હુમલો કરી શારીરિક છેડછાડ કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ધરારનગરમાં  રહેતા એક પરિવારની ૧૮ વર્ષીય પુત્રી ગઇકાલે એઠવાડ નાંખવા ઘર બહાર નીકળી હતી.

ત્યારે જીજે૧૧-ઝેડ-૪૩૦૦ નંબરની રીક્ષાનો ચાલક રાજ ઓડેદરા તેની રીક્ષા પુરઝડપે ચલાવીને આવી પહોંચતા યુવતિ પોતાના ઘરમાં જતી રહી હતી.

પરંતુ રાજ ઓડેદરાએ પાછળ ધસી જઇ યુવતિના ઘરમાં પ્રવેશી તેના કપડા ઉતારવાનો પ્રયાસ કરી અડપલા કર્યા હતાં.

બાદમાં આ શખ્સ યુવતિ અને તેની મોટી બેનને ઢીકાપાટુનો માર મારીને નાસી ગયો હતો. આ અંગે એ-ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે. આવો એક અન્ય બનાવ જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં બન્યો હતો જેમાં મોટી હવેલી પાસે રહેતી એક ર૮ વર્ષીય પરિણિતા તેના ઘરે એકલી હતી.

ત્યારે પાડોશી મનોજ બાવાજી નામના શખ્સે આવી ચડી પરિણિતાની એકલતાનો લાભ લઇ તેની સાથે અડપલા કર્યા હતાં, પરંતુ પરિણિતાએ દેકારો કરતા મનોજ નાસી ગયો હતો. આ બનાવની વધુ તપાસ બી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે. (૮.૧ર)

(12:03 pm IST)