સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ગોંડલ તાલુકામાં કપાસનો પાક વિમો તાત્કાલીક ફાળવવા રજૂઆત

ગોંડલ, તા. રર : તાલુકા સને ર૦૧૬-૧૭નો કપાસ પાક વિમો ગોંડલ તાલુકાને ચૂકવવા ખેડૂત આગેવાન તેમજ માર્કેટ યાર્ડના ડીરેકટર કનકસિંહ જાડેજાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી તેમજ કેન્દ્રીય કૃષિમંત્રી સહિતનાને લેખીત રજૂઆત કરેલ છે.

પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલમાં આવેલ છે. તાલુકા એકમને બદલે ગામ એકમો ખેડૂતો માટે સારી બાબત છે. તાજેતરમાં મગફળી વિમો ધારાસભ્યની ચૂંટણી પહેલા મળી ગયેલ છે. જેની કાગડોળે ખેડૂતો રાહ જોઇ રહ્યા છે તે કપાસ પાક વિમો ઘણા તાલુકામાં ચૂકવાય ગયેલ છે, પણ ગોંડલ તાલુકાને હજી સુધી મળેલ નથી તો કયા કારણોસર ગોંડલ તાલુકાને કપાસ પાક વિમો મળેલ નથી તે આપ તપાસ કરાવશો અને સને ર૦૧૬-૧૭માં કપાસ પાક સદંતર નિષ્ફળ ગયેલ હતો. કપાસના પાકમાં ગુલાબી ઇયળો આવતો અને વરસાદ અનિયમિતતાને કારણે પૂરતું પાણી મળેલ નથી તેથી કપાસ પાક સમગ્ર તાલુકામાં ફેઇલ ગયેલ હતો.

સરકાર દ્વારા કોપ કટીંગ અને સર્વે પણ કરાયેલ હતો તેના આંકડા આપના ખાતા દ્વારા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડેલ હતા. બીજા તાલુકામાં ૧ માસ પહેલા વિમો મળી ગયેલ અને ગોંડલ તાલુકાને મળેલ નથી. અત્યારે ખેડૂતોને મંડળીનું ધીરાણ ભરવા માટે ઘણી મુશ્કેલી પડે છે.

યોગ્ય તપાસ કરી તાત્કાલીક ગોંડલ તાલુકાને કપાસનો વિમો મળે તેવી તાલુકાના ખેડૂતોની માંગણી અને લાગણી છે. જો આ બાબતે ૧પ દિવસની અંદર ચૂકવી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચીધ્યા રાહે ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ર૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણી ઉપર તેની અસર પડશે. તેમ અંતમાં જણાવ્યું છે. (૮.૧૧)

(12:02 pm IST)