સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

બાબરા પંથકમાં સેટેલાઇટ જમીન માપણીમાં ભૂલોની ભરમાળ... 'પાડાના વાંકે પખાલીને ડામ' જેવી ખેડૂતોની સ્થિતિ

જમીન-ક્ષેત્રફળની નોંધણીમાં નામ બીજાના :સ્થળ સ્થિતિ, પિયત, બિનપિયતની નોંધમાં પણ જબરા ગોટાળાથી રોષ : સત્વરે પુનઃમાપણી કરી ભૂલ નહિ સુધારાય તો આંદોલનાત્મક કાર્યક્રમોઃ તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઇ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત

બાબરા તા.રર : તાલુકામાં રાજય સરકાર દ્વારા એજન્સી મારફતે સેટેલાઇટ જમીન માપણી ભુલ ભરેલી ક્ષતિ ગ્રસ્ત હોવાથી ખેડુતોને પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતી સર્જાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાની બૂમ સંભળાઇ રહી છે.

આ મામલે તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઇ સાકરીયાએ જીલ્લા કલેકટર સમક્ષ રજૂઆતો કરી છે કે, સેટેલાઇટ માપણીમાં ખેડુતની જમીન અને ક્ષેત્રફળ અન્યોના નામે થવા પામ્યુ છે. એવી જ રીતે ઘણી જગ્યાએ સ્થળ સ્થિતી, પિયન બિનપિયતની નોંધ પણ  જબરા ગોટાળા હોવાથી હાલ ખેડુતો પોતાની જમીનના આધારો જેવા કે ૭-૧૨, ૮- અ ભુલ ભરેલા હોવાથી ધીરાણ મેળવી શકતા નથી.

વધુમાં ઉમેર્યુ છે કે, ભુલ ભરેલા કાગળો સરકારી રેકર્ડ બની જવાથી બેંકીગ પ્રક્રિયા જમીન ધિરાણ, મોર્ગેઝ, પાક ધિરાણ, કિશાન ક્રેડીટ ધિરાણ મળવામાં પણ ખેડુતોને ધરમના ધકકા ખાવા પડે છે.

વ્યવસાયાર્થે બહાર વસવાટ કરતા અમુક ખેડુતો સેટેલાઇટ માપણી સમયે ઉપસ્થિત નહી હોવાથી અરજદાર પોતાનો કબ્જો દર્શાવી શકયા નથી. હાલ ચોમાસુ નજીક છે ત્યારે ખેડુતો બેંક, મંડળીમાંથી ધીરાણ લેવા આવે ત્યારે સરકારી છબરડાનો ભોગ બનવુ પડે છે.

મોટાભાગના ખેડુતોની જમીન માપણી સમયે ૭-૧૨ અને ૮-અના ઉતારામાં નામ હોવા છતા કબ્જા પાવતીનું બહાનું આગળધરી જમીન માપી દેવામાં આવતી નથી. અમુક ખેડુતોના કાગળોમાં કોમ્પ્યુટર ભુલના કારણે ધિરાણ અટકી પડયા છે.

સરકાર દ્વારા નિમાયેલી એજન્સી મારફતે નિરાકરણ લાવવા સત્વરે સમુળગી માપણી ફરી કરી જયાં જયાં ભૂલો થઇ છે. ત્યાં ત્યાં સુધારવામાં નહિ આવે તો આગામી દિવસોમાં નાછુટકે ખેડુતોને સાથે રાખીને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાની ફરજ પડશે તેવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.

(12:02 pm IST)