સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

શાપર-વેરાવળના ચમાર યુવાનની હત્યાનું રિહર્સલ અને તમામ આરોપીઓની ઓળખપરેડ કરાવાઇ

રાજકોટ, તા., ર૨: શાપર-વેરાવળમાં રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ચમાર યુવાનને ગોંધી રાખી માર મારી મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં  પકડાયેલ કારખાનેદાર સહિત ચાર આરોપીઓની કોર્ટે રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યા બાદ આજે આરોપીઓ પાસે હત્યાની ઘટનાનું રિહર્સલ કરાવાયું હતું તેમજ તમામ આરોપીઓની ઓળખ પરેડ કરાવાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં શિતળા માતાજીના મંદિર નજીક મારૂતી પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો મુકેશ સવજીભાઇ વાણીયા (ઉ.વ.૪૦)  કારખાનામાં લઇ જઇ ગોંધી રાખી બાંધીનેધોકા-પટ્ટાથી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ કારખાનેદાર જયસુખ દેવરાજભાઇ રાદડીયા (ઉ.વ.૩૯) (રહે. આશ્રમ પાસે, શાપર-વેરાવળ) તથા તેના બે સાળા સીરાજ વિઠ્ઠલભાઇ વોરા અને દિવ્યેશ કિશોરભાઇ વોરા (રહે. કાંગશીયાળી) અને મજુર તેજસ કનુભાઇ તથા એક ભરવાડ સગીરને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

પકડાયેલ ચારેય આરોપીઓને  ગઇકાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તા.રપ મી સુધી રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પકડાયેલ ચારેય આરોપીઓ પાસે આજે હત્યાની ઘટનાનું રિહર્સલ કરાવાયું હતું. તેમજ તમામ આરોપીઓની ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે. વધુ તપાસ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ તથા શાપરના પીએસઆઇ સિન્ધુ ચલાવી રહયા છે.

(11:59 am IST)