સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ગોંડલના વાસાવડમાં દુધમાં ભેળસેળ હોવાનું ખુલ્યું: ૩ સામે ફરિયાદ

ગોંડલ, તા.૨૨: ગોંડલ તાલુકાના વાસાવડ ગામે પ્રોબેશનલ એએસપી દ્વારા એક માસ પહેલા દરોડો પાડી નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડી પાડવામાં આવી હતી, બાદમાં  ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એક માસ પહેલા પ્રોબેશનલ એ.એસ.પી અમિત વસાવા દ્વારા નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડી પાડવામાં આવી હતી અને નકલી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

બાદમાં આ ચીજ-વસ્તુઓના જથ્થાને લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલાયો હતો જયાં આ જથ્થો અખાદ્ય હોવાનો રીપોર્ટ આવતાં તાલુકા પોલીસના એ.એસ.આઇ દિલીપભાઈ પાનસુરીયા તેમજ કે કે ગઢવી દ્વારા નકલી દૂધ બનાવતા નથુભાઈ રામભાઈ આહીર તેના પુત્ર મકનભાઈ તેમજ મેહુલ કિશોરભાઈ પડસાતીયા વિરુદ્ઘ  આઇપીસી કલમ ૨૭૨,૨૭૪,૪૧૭, ૪૨૦, ૧૧૪ તેમજ ૨૭૬ સહિતની ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(11:59 am IST)