સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ગુરૂવારે વિજયભાઇ દ્વારકામાં

પબુભા માણેક આયોજીત ધર્મોત્સવ અને ''સુજલામ સુફલામ'' યોજના અંતર્ગત કામોનું નિરીક્ષણ કરશે

દ્વારકા તા.૨૨: યાત્રાધામ દ્વારકામાં ત્રણ મહત્વના ધાર્મિક અને સરકારી કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે તે પૈકી તા.૧લી મે થી ૩૧મી સુધી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતાં જળસંચયના કામો ચાલી રહ્યા છે જયારે તા.૧૫મી મે થી હિન્દુ ધર્મના પાવનકારી પુરૂષોતમ માસનો પ્રારંભ થતાં યાત્રાધામમાં શ્રધ્ધાળુઓની ભીડ વધી છે જ્યારે અધિકમાસમાં જ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વાદશ દિવસીય ધર્મોત્સવનું પણ આયોજન કરાયું હોય યાત્રાધામમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. પુરૂષોત્તમ માસમાં પુણ્યનું ભાથું બાંધવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ૨૪મીએ દ્વારકા પધારનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મુખ્યમંત્રીની સંભવિત મુલાકાત સંદર્ભે બે દિવસ પહેલાં જ જિલ્લા કલેકટરે દ્વારકા યાત્રાધામની મુલાકાત લીધી હતી. દ્વારકામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગોમતી નદીમાં સફાઇ તેમજ રેતી દૂર કરવાની પ્રક્રિયા તેમજ દ્વારકાને પીવાનંુ પાણીનો મહત્વના સ્ત્રોત સમા માયાસર તળાવમાંથી કાંપ કાઢવાની પણ કામગીરી આ યોજના તળે ચાલી રહી હોય આ તમામ કામગીરીની વર્તમાન સ્થિતિ નિહાળવા મુખ્યમંત્રી દ્વારા આ યોજના હેઠળના કામોની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગે મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ અને નગરપાલીકા દ્વારા પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ચાલતા કામોના નિરીક્ષણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આગામી તા.૨૪-૫-૨૦૧૮ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારનાર છે. આ કાર્યક્રમ સુયોજિત રીતે યોજાય અને સંપન્ન થાય તે માટે દ્વારકા પ્રાંત કચેરી ખાતે કલેકટરશ્રી જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં સુરક્ષા, હેલીપેડ, વી.વી.આઇ.પી., સ્ટેજ મેનેજમેન્ટ, બેઠક વ્યવસ્થા, લાઇટ, પાણી સાઉન્ડ, મંડપ વ્યવસ્થા, પ્રચાર પ્રસિધ્ધિ વગેરે કામગીરી અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી તેમજ સોંપેલ કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવા લગત અધિકારીઓને કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સુચનો કર્યા હતા.

આ બેઠકમાં આર.એન.બી.કાર્યપાલક ઇજનેરશ્રી ભાલોડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, પ્રાંત અધિકારીશ્રી જાડેજા, નાયબ કલેકટરશ્રી સરવૈયા આ ઉપરાંત લગત વિભાગોના અધિકારીશ્રીઓ/પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)