સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

ભુજમાં પાઇપલાઇન તૂટતા પાણીના ફુવારા

જળસંચયની કામગીરી અને ભરઉનાળે પાણીનો વેડફાટ

ભુજ તા. ૨૨ : એક બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયભરમાં જળસંચયની ઝુંબેશ ચલાવે છે બીજી બાજુ તેમના જ પક્ષના શાસકોના ગેરવહીવટના કારણે લાખો લીટર પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થાય છે. ભુજના પ્રમુખસ્વામીનગર મુંદરા રિલોકેશન સાઈટમાં ભાટિયા મહાજનવાડી પાસે પાણીની લાઇન રવિવારે લીકેજ થયા બાદ માંડ માંડ ભુજ નગરપાલિકા એ તૂટેલી લાઇન રીપેર તો કરી પણ ફરી એ જ રામાયણ સર્જાઈ !! રવિવારે લાખો લીટર પાણી વેડફાયું ત્યાર બાદ પાલિકા તંત્ર પહોંચ્યું. તે વચ્ચે ફરી આ પાણીની લાઇન લીકેજ થતાં ફરીવાર પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે.

ભુજમાં માંડ માંડ અઠવાડિયે પાણી મળે છે,એની વચ્ચે આ રીતે લાખો લીટર પાણી વેડફાતું રોકવામાં પાલિકા નિષ્ફળ જાય એ જોઈને લોકો ભારે આક્રોશ અનુભવે છે. કડવું સત્ય એ છે કે જળસંચય ની વાતો માત્ર કાગળ ઉપર અને ફોટા પડાવી વાહ વાહ મેળવવા પૂરતી છે. મુંદરા રિલોકેશન સાઈટ ના રહેવાસીઓ ના આક્ષેપ પ્રમાણે બે દિવસ થયા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે,પણ ભુજ નગરપાલિકા ના પ્રમુખ અશોક હાથી કે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા કે,વોટર સપ્લાય કમિટીના ચેરમેન જગત વ્યાસ અને આ વિસ્તાર ના ચારેય કાઉન્સિલરો માંથી એક પણ વારંવાર ની રજુઆત પછીયે અહીં આવ્યા નથી. 'પાણી કાપ' ની સમસ્યા થી લોકો હેરાન પરેશાન છે,પણ ભુજ નગરપાલિકાના પાલિકાના ભાજપના શાસકોના 'પેટનું પાણી' હલતું નથી.

(11:57 am IST)