સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

કચ્છમાં મહિલાઓ દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર: આરએસએસના ૧૫ મહિલા સેવિકાઓ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અગ્નિદાહ : કોરોનાના ડર વચ્ચે કચ્છની મહિલાઓની હિંમતભરી મિશાલ, આરએસએસના સ્વયંસેવકો સાથે સેવિકાઓ પણ તંત્રની મદદે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: જન સહયોગ અને મહિલા શક્તિનું જીવતું જાગતું  સ્વરૂપ એટલે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની શ્રી સુખપર સાર્વજનિક હિન્દુ સ્મશાન ભૂમિ!! ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોરોનાગ્રસ્ત મૃતકોની લાશની અંતિમવિધિ માટે તંત્રની વ્હારે આરએસએસ આવ્યું છે. આરએસએસના સ્વયંસેવકો સાથે આ કાર્યમાં સેવિકા બહેનો પણ જોડાઈ છે. કોરોનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ વધતાં અંતિમવિધિ તંત્રની માર્ગદર્શિકા અનુસાર ભુજ અને બાજુમાં આવેલ સુખપર ગામે કરાઈ રહી છે. કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કારમાં આરએસએસના સ્વયંસેવકો સાથે ખભેખભા મેળવી સેવિકાઓ નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. કોરોનાના કપરા કાળમાં કોવીડ-૧૯ થી મૃત્યુ પામેલા લોકોને હિન્દુ ધાર્મિક વિધિથી અંતિમ ક્રિયાની કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી  સુખપર ગામમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની ૧૫ સેવિકાઓ કરી રહી છે. છેલ્લા છ દિવસ થયા આ કામગીરી દરમ્યાન કચ્છની આ ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિ ની સફાઈથી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી હિંમતભેર કરી રહી છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાના સંક્રમણને પગલે થતાં મૃત્યુના કારણે નિયત કરેલા સ્મશાનો પૈકી ભુજ ખારી નદી સ્મશાન ભૂમિ અને સુખપર ગામની સ્મશાન ભૂમિ પર કોવીડ-૧૯ ના મૃતદેહને અંતિમ ક્રિયા કરાવવાના વહીવટી તંત્રના અનુરોધના પગલે અમે છ દિવસથી અહીં હિન્દુ શાસ્ત્રોક્ત રીતે કોવીડ-૧૯ ના દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ.” એમ સ્મશાનભૂમિની કામગીરી સાથે સંકળાયેલા કચ્છ આરએસએસના અગ્રણી રામજીભાઈ વેલાણીએ જણાવ્યું હતું. અહીં સવારે ૮થી રાતના ૮ વાગ્યા સુધી અંતિમ ક્રિયાની કામગીરીમાં સેવિકા બહેનો જોડાયેલી રહે છે. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાંથી આવતા તમામ કોવીડ-૧૯ ના મૃતદેહોને અહીં સુખપર ગામે તેમજ ખારી નદી ખાતે અગ્નિદાહ આપવામાં આવે છે. રામપર-વેકરા, ભુજ, માનકુવા અને સુખપરના ૫૦ જેટલા સ્વયંસેવકો પણ આ કામગીરીમાં પોતાની સેવા આપી રહ્યા છે. સુખપર ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાઓની પડખે સ્વામિનારાયણ પ્રસાદી ગામ એવા સુખપર સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો પણ પોતાનો સહયોગ આપી રહી છે. મૃતદેહ માટે ફૂલ; પૂજન વિધિની સામગ્રી તેમજ આ કામગીરી સાથે સંકળાયેલી સેવિકાઓ અને ભાઇઓની ભોજનની વ્યવસ્થા કરીને પણ સાંખ્યયોગીની બહેનો  પોતાની રાષ્ટ્રીય સેવા બજાવી રહ્યા છે. હાલે કચ્છમાં એક હજાર જેટલા સેવિકા બહેનો છે. જેઓ કોરોના દરમ્યાન માસ્ક બનાવવા, વહેંચવા, રાશન કીટ બનાવી અને વહેંચવી, દવાના પડીકા બાંધવા, કવોરેન્ટાઈન રહેલા દર્દીઓ અને તેમના પરિવારો માટે ટિફિન સેવા કરવી વગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

(5:56 pm IST)