જસદણમાં કોરોના કહેર વચ્ચે સેવાભાવીઓ દ્વારા સેવાકાર્ય
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા.રર : જસદણની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કોરોના ટેસ્ટ રિપોર્ટ અને દાખલ થયેલા હોય એવા દર્દીઓના સગા સબંધીઓની દરરોજ બહોળી સંખ્યામાં અવર જવર રહેતી હોય અને હાલ ગરમી હોય ત્યારે સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં કામસર આવેલા લોકોને તરસ લાગે છે. આ નાનકડી છતા મોટી વાત જસદણ સેવાભાવીઓ હરિભાઇ હિરપરા, નટુભાઇ હિરપરા, સુમતિવાળા અને રાજુભાઇ કુંભાણીને કાને પહોંચતા તેમણે તાત્કાલીક સિવિલ હોસ્પિટલ પહોંચી તંત્રની પરવાનગી લઇ પીવાના પાણીના કારણે હોસ્પિટલમાં આવેલાઓને પીવાના પાણી માટે અંદર ન જવુ પડે અને કોઇ ચેપ ન લાગે તે માટે હોસ્પિટલના પટાંગણમાં જ પાણીની વ્યવસ્થા કરી આપી હતી. જયાં સુધી આ કોરોના મહામારી દુર ન થાય ત્યાં સુધી આ પાણીની વ્યવસ્થા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ સિવિલ હોસ્પિટલમાં ડોકટરોથી માંડી પટાવાળા સુધીના તમામ સ્ટાફની કામગીરી ઉડીને આંખે વળગે છે.