સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

કોરોનાના કહેરના કારણે જુનાગઢ જિલ્લાની ચિંતાજનક સ્થિતિઃ ૯ દિવસમાં ૧૧૯૧ કેસ વધ્યા

બુધવારે નવા ૧૮૮ કેસની સામે ૧૭પ દર્દી સ્વસ્થ થયાઃ ૧૩ થી ર૦ એપ્રિલ દરમિયાન ૯ દર્દીના મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : કોરોનાનાં કહેરના કારણે જુનાગઢ જિલ્લાની ચિંતાજનક સ્થિતિ થઇ ગઇ છે. છેલ્લા ૯ દિવસમાં ૧૧૯૧ કેસનો વધારો થયો છે અને ૯ કોવીડ દર્દીને કોરોના ભરખી ગયો છે.

બુધવારે જિલ્લમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૧૮૮ કેસ નોંધાયા હતા. કુલ ૧૮૮ કેસમાંથી ૯૩ કેસ જુનાગઢ સીટીના હતા. આમ અડધો અડધ કેસ નવા આવતાં જુનાગઢ શહેરમાં કોરોના કેસમાં ભયજનક રીતે વધારો થઇ રહયો છે છતા હજુ લોકો સાવચેતીનો અભાવ જોવા મળી રહયો છે. અમુક લોકો હજુ પણ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાને બદલે તેની અવગણના કરતા જોવા મળી રહયા છે.

જુનાગઢ જિલ્લામાં ૧૩ એપ્રિલથી કોરોનાના કેસ સતત વધી રહયા છે. આ દિવસે ૧૧૩ કેસ નોંધાયા હતા અને હવે ગઇકાલની સ્થિતિએ એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી ૧૮૮ કોરોનાના નવા કેસની એન્ટ્રી થઇ હતી. જે સુચવે છે કે હજુ શહેરમાં કોવીડ કેસ ઘટવાની કોઇ શકયતા નથી. તા.૧૩ થી ર૧ એપ્રિલના ૯ દિવસમાં કોરોનાનાં ૯ દર્દી મોતને ભેટયા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૭૪૬૧ થઇ ગયા છે.

૯ દિવસનાં ૧૧૯૧ નવા કેસની સામે પ ૧૩ દર્દી સ્વસ્થ થયા છે જેને લઇ રિકવરી રેઇટ ખુબ જ ઓછો જોવાયો છે.

કોરોનાનાં કેસ સતત વધવાને કારણે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું વેઇટીંગ મોટુ થતાં હોસ્પિટલની સ્થિતિ વધુ કફોડી થઇ ગઇ છે.

(11:36 am IST)