સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

દલખાણિયામાં સિંહ પ્રેમી યુવક ચૂંટણી ટાણે ચર્ચાનું કેન્દ્ર બન્યો

સારવાર બાદ ૩૦ સિંહોને હજુ મુકત કરાયા નથી : દલખાણીયા રેન્જમાં હવે સિંહ નહીં તો મત નહીંના બેનરો

અમદાવાદ, તા.૨૨ : અમરેલી જિલ્લાના ધારી પંથકના દલખાણીયા રેન્જમાં વાઇરસના કારણે ૨૪ સિંહોના મોત નીપજ્યા હતા. જેથી વન વિભાગે અન્ય ૩૦ સિંહોને રસી આપવા માટે પાંજરે પૂર્યા હતા. સારવાર પૂરી થઇ ગયા બાદ પણ આ સિંહોને દલખાણીયા રેન્જમાં છૂટા કરવામાં નહી આવતા બશીર જાખરા નામનો સિંહપ્રેમી યુવાન સિંહોની મુક્તિને લઇ અનોખો વિરોધ કરી રહ્યો છે. બસીર પોતાના ગળામાં બેનર લટકાવી ગામડામાં ફરી રહ્યો છે અને કહી રહ્યો છે કે સિંહ નહીં તો મત નહીં સિંહને પાછા લાવો તો જ મત. આવતીકાલે ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક માટેની ચૂંટણી છે અને મતદાનનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ઇલેકશનના આવા માહોલ વચ્ચે દલખાણીયા રેન્જમાં સિંહોની મુકિતને લઇ વિરોધ કરી રહેલા આ સિંહ પ્રેમી યુવક બશીર જાખરા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બશીર જાખરા નામનો આ યુવક બિન્દાસ્ત રીતે કોઇપણ સંકોચ રાખ્યા વિના પોતાના હાથમાં સિંહોની મુકિત માટેના બેનરો લઇ અને ગળામાં આ બેનરો લબડાવી ઉનાળાની આટલી બળબળતી ગરમીમાં ગામડે ગામડે ફરી જનજાગૃતિ ફેલાવી રહ્યો છે અને પોતાના વિરોધમાં લોકજુવાળનું એક સમર્થન ઉભુ કરી રહ્યો છે. સિંહ પ્રેમી બેનરમાં લખ્યું છે કે, સિંહ નહીં તો મત નહીં..સિંહ છૂટા કરો પછી મત., દલખાણીયાના અમારા સિંહોને છૂટા કરો. સાવજો વિના સુમસામ દલખાણીયા રેન્જ, વાઇરસ બાદ૩૦ સિંહોને સારવારમાં રાખ્યા પરંતુ સારવાર બાદ સિંહો જેલમાં છે. લોકશાહીમાં મારો એક મત કિંમતી છે. દલખાણીયાના અમારા સિંહોને મુકત કરો. બશીર જાખરાના આ વાકયો વન્યપ્રેમી જનતાના હૃદયને સ્પર્શનારા અને બહુ લાગણીસભર જણાય છે. એકલાહાથે ઉનાળાની આટલી કારમી ગરમીમાં આ પ્રકારે હાથમાં અને ગળામાં બેનરો લઇને સિંહોની મુકિત માટેનું અભિયાન તેનો સિંહો માટેનો અનોખો પ્રેમ અને તેની વન્યજીવો પરત્વેની લાગણી પ્રગટ કરે છે, જેને લઇ તે હાલ ચૂંટણી ટાણે સ્થાનિક જનતાની સાથે સાથે સરકારી સત્તાધીશોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(8:21 pm IST)