સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

જૂનાગઢ લોકસભા બેઠકનાં ૧૨ ઉમેદવારોનાં ભાવિ માટે ૧૬,૪૧,૫૨૮ મતદારો કરશે મતદાન

ચુસ્ત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ, પોલીંગ સ્ટાફ રવાનાઃ ૮,૪૭,૬૭૬ પુરૂષ અને ૭,૯૩,૮૫૨ સ્ત્રી મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

જૂનાગઢ તા.રરઃ લોકશાહીના મહાપર્વ લોકસભાની સામાન્ય ચૂંટણીનાં મતદાનનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલે સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. સાંજના ૬ વાગ્યા સુધી ચાલનારા આ મતદાન દરમ્યાન જૂનાગઢ લોકસભા બેઠકનાં ૧૨ ઉમેદવારોના  રાજકીય ભાવિ માટે ૧૬,૪૧,૫૨૮ મતદારો મતદાન કરશે.

આ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગઇકાલે સાંજે જાહેર પ્રચારનાં પડધમ શાંત થતાં આજે સવારથી ઉમેદવારો અને તેનાં સમર્થકોએ મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કર્યો છે.

જુનાગઢ લોકસભાના બેઠક માટે કુલ ૧૨ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપનાં સીટીંગ સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસમાંથી ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ મુખ્ય ઉમેદવાર છે.

આ બંન્ને ઉમેદવારનાં તેમનાં પક્ષે રિપીટ કર્યા છે. ગત ૨૦૧૪ની ચૂંટણીમાં રાજેશ ચુડાસમાનો વિજય થયેલ આ વખતે તેઓ ફરી સભ્ય તરીકે ચૂંટાય છે કે કમે તે જોવાનું રહેશે.

જૂનાગઢ લોકસભા બેઠકનાં અન્ય ઉમેદવારોમાં દેવેન ગોવિંદભાઇ વાણવી(લઘુમતિ સમાજ પાર્ટી), ભૂત અશોકભાઇ ભીમજીભાઇ (રાષ્ટ્રીય સમાજ પાર્ટી), રાઠોડ નાથાભાઇ વશરામભાઇ (વ્યવસ્થા પીરવર્તન પાર્ટી), કારિયા ધિરેનભાઇ  અમૃતલાલ (અપક્ષ) ), ઝાલા મુકેશભાઇ ભારમલભાઇ (અપક્ષ), પાંચાભાઇ ભાયાભાઇ દમણીયા (અપક્ષ), પ્રદિપભાઇ માવજીભાઇ ટાંક (અપક્ષ), મકવાણા ધર્મેન્દ્ર વજુભાઇ (અપક્ષ), વાળા જયપાલસિંહ હાજાભાઇ (અપક્ષ) અને હરેશ મનુભાઇ સેવરા (અપક્ષ)નો સમાવેશ થાય છે.

આ જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ ૭ વિધાનસભા સીટ છે. જેનાં કુલ મતદારો ૧૬,૪૧,૫૨૮ મતદારો નોંધાયા છેે. જેમાં ૮,૪૧,૬૭૬ પુરૂષ અને ૭,૯૩,૮૫૨ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જેમાં ૩૯૧૫ દિવ્યાંગ મતદારો પણ છે.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સોૈરભ પારઘીએ ચૂંટણી પંચના માર્ગદર્શન નીચે મતદાન સંબંધી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

જૂનાગઢ કલેકટર બેઠકનાં મતદારો માટે કુલ ૧૯૧૩ મતદાન મથકો છે જે માટે ૫૬૪૮ પોલીંગ સ્ટાફ અને ૨૧૯૨ પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૮૭ ઝોનલમાં દિવ્યાંગ મતદારો માટે ૭ મતદાન મથક હશે.

જેમાં ૧૦૫ મતદાન મથક મહિલા સંચાલિત હશે ૨૪૪૫ ઇવીએમ અને ૨૬૯૩ વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે સવારથી જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતેથી ઇવીએમ અને વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે પોલીંગ સ્ટાફને રવાના કરવામાં આવેલ તેઓ સાંજ સુધીમાં તેમની ફરજનાં સ્થળ પર પહોંચી જશે. જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન સરળતાથી પાર પડે અને મતદારોને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ તેવી સધન વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

દેશનાં મહા તહેવાર-લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તમામ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કરી છે.

દરમ્યાન જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં કાયદો -વ્યવસ્થા સલામતી જળવાય રહે તે માટે આઇજી સુભાષ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ એસપી. સૌરભસિંઘ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(3:28 pm IST)