સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

કોડીનાર એસ.ટી. ડેપોમાં ખાનગી વાહન ચાલકોના ત્રાસ દાદાગીરી સામે ખુદ ડેપો મેનેજરે હિંમત દાખવી ?

પોલીસને કચકચાવીને લખ્યો પત્ર, પત્રમાં હપ્તા વસુલોનો કર્યો પર્દાફાશ, એસ.ટી.ની આવક વધારવાનો ઉદ્દેશ- કોડીનાર - ઉના - વેરાવળ - સુત્રાપાડા રોડ પર ૩૦૦થી વધુ ટાટા મેજીક દોડે છે... શું પોલીસ અજાણ છે ? - સરકારે એસ.ટી.ને સલામત સવારીનું સુત્ર આપ્યુ છે જયારે પોલીસે ટાટા મેજીકને નિર્ભય સવારીનું સુત્ર આપ્યું છે

કોડીનાર તા.રરઃ કોડીનાર પંથકમાં એસ.ટી. ડેપો પાસે ગેરકાયદે અડો જમાવીને ટાટા મેજકી જેવા ખાનગી વાહનો દ્વારા સેંકડો મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરાતી હોવા અંગે કોડીનાર એસ.ટી. ડેપો મેનેજરશ્રીએ કોડીનાર પોલીસમાં એક વિસ્તૃત પત્ર પાઠવી ડેપો આસપાસ અડો જમાવી રોફ જમાવતા ખાનગી વાહન ચાલકો સામે પગલા ભરવા માંગણી કરી છે.

એક માહિતી મુજબ કોડીનાર પંથકમાં આશરે ૩૦૦થી વધુ ખાનગી ટાટા મેજીક દ્વારા ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે. આ તમામ વાહનો કોડીનારથી ઉના - વેરાવળ તથા સુત્રાપાડા પંથકમાં ચલાવાય છે. ટાટા મેજીક ચાલકો દ્વારા વધુ કમાઇ લેવાની લ્હાયમાં ૧પ થી ૧૭ જેટલા મુસાફરો ઠાસીઠાસીને ભરવામાં આવે છે જે મુસાફરી  જોખની બની જાય છે. કોડીનાર શહેરનીઅંદર ટ્રાફીક સમસ્યા ખુબજ છે ત્યારે ટ્રાફીક પોલીસ કોડીનાર શહેરમાં ફરકતી નથી પરંતુ ઉના-વેરાવળ હાઇવે ઉપર નિયમિત પેટ્રોલીંગ કરે છે.

એક અંદાજ મુજબ ગેરકાયદે ટાટા મેજીકમાં મુસાફરોની હેરાફેરી કરવા માટે મેજીક ચાલકો ટ્રાફીક પોલીસને માસીક નિયમીત રૂા.૬૦૦નો હપ્તો આપે છે અને આ હપ્તાનીપહોંચ પેટે તેને દર મહિને અલગ અલગ નીશાનીવાળા કાર્ડ આપવામાં આવે જે કોડ (નીશાની) તરીકે ઓળખ ઉભી કરે છે. ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા આવા મેજીક ચાલકો મુસાફરો  ભરવા બાબતની માથાકુટ-ઝગડા પણ વારંવાર કરતા હોઇ આવા સામાન્ય બાબતના ઝગડા  કયારેક મોટુ સ્વરૂપ પણ ધારણ કરતા હોય છે.

ગેરકાયદેસર મુસાફર હેરાફેરી કરતા ખાનગી વાહન ચાલકોના કારણે રાજયના એસ.ટી. તંત્રને પણ ખુબજ મોટી નુકશાની વેઠવાનો વખત આવતો હોઇ કોડીનાર પંથકમાં ગેરકાયદે મુસાફરી કરતા વાહન ચાલકો સામે પગલા ભરવા અને કોડીનાર એસ.ટી. ડેપો ખાતે કાયમી પોલીસ બંદોબસ્ત મુકવા માંગણી ઉઠી છે.

(11:59 am IST)