સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

કચ્છની IDBI બેંકે મૃત મહિલાના નામે ૮૨ લાખની લોન મંજુર કરી અને ભરાવી પણ દીધી-ચકચારી ૭.૮૨ કરોડના બેંક ફ્રોડની CID ક્રાઇમમાં ફરિયાદ

ભૂજ, તા. રર : (ભુજ) નાના ખેડૂતો, વ્યાપારીઓ અને મહિલાઓને વ્યવસાય માટે લોન લેવામાં ભલેને બેંકો ધક્કા ખવડાવતી હોય પણ કૌભાંડિયાઓને બેંકો લાલ જાજમ પાથરીને કંઈ પણ જોયા જાણ્યા વગર લાખો રૂપિયાની લોન આપી દે છે,એ હકીકત છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા બેંક ફ્રોડ સંદર્ભે ૭ અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. જોકે, લાંબા સમયથી કચ્છમાં ચકચારી બનેલા આ બેંક કૌભાંડોમાં લોન લેનારાઓ અને લોન આપનારી બેકોએ મૃતક વ્યકિતઓને પણ છોડ્યા નથી. સીઆઇડી ક્રાઇમ ભુજ ઝોનમાં અબડાસા તાલુકાના વિંઝાણ ગામના કિસ્સામાં તો ક્ષત્રિય વૃદ્ઘા વ્રજકુંવરબ જેઠુજી જાડેજાના ના મોતના ૨૨ વર્ષ પછી IDBI જેવી મોટી બેંકે તેમને એક બે નહીં પણ પુરા ૮૨ લાખ, હા પુરા ૮૨ લાખ રૂપિયાની લોન ખેતીની જમીન ઉપર આપી દીધી એટલુંજ નહીં પણ જયારે વ્રજકુંવરબાના પુત્ર કીર્તસિંહે જયારે ખેતીની જમીન ઉપર IDBI ની બળદિયા (ભુજ) શાખાનો બોજો દાખલ કરેલો જોયો એટલે તેમણે ચોંકીને નલિયા મામલતદારને ફરિયાદ કરી પોતાની જમીન ઉપર બોજો કાઢી નાખવા રજુઆત કરી હતી.

રૂપિયા આપ્યા એવી રીતે પાછા પણ લઈ લીધા!!!

આ આખોયે કિસ્સો બેંકની મિલીભગત થી કેવી રીતે આચરાયો છે, તેની તપાસ તો હવે સીઆઇડી ક્રાઇમ કરશે. પણ, કોઈ વ્યકિત મૃત્યુ પામી તેના ૨૨ વર્ષ પછી બેંકે મૃત વ્યકિતને લોન પણ આપી અને એટલું જ નહીં વળી મૃત વ્યકિત પાસે થી પુરા ૮૨ લાખ રૂપિયા રૂપિયા વસુલ કેવી રીતે કર્યા એ વાત રિઝર્વ બેંકે પણ IDBI બળદિયા (ભુજ) પાસે થી શીખવા જેવી છે. સીઆઇડી ક્રાઇમમાં કિર્તસિંહ જાડેજાએ કરેલી ફરિયાદ મુજબ ૧૦//૮૮ ના તેમના માતૃશ્રી વ્રજકુંવરબા ના મૃત્યુ બાદ વિંઝાણ ગામની જમીન તેમની જમીન વારસાઈની રૂ એ કીર્તસિંહના નામે ૨/૧૧/૧૧ ની અરજી બાદ ૧૩//૧૨ ના દાખલ થઈ હતી. પણ, ૩૦//૧૪ ના ૮૨ લાખ રૂપિયાની બેંક લોનનો બોજો તેમના મૃત માતા વ્રજકુંવરબા ના નામે દાખલ કરાતા તેમણે નલિયા મામલતદાર સમક્ષ ૫//૧૪ ના વાંધો લીધો હતો કે તેમના માતા ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે તો IDBI બેંકે મૃત માતાને લોન કઈ રીતે આપી? મૃત વ્રજકુંવરબા એ IDBI બેંકમાં સહીઓ કઈ રીતે કરી? તે દરમ્યાન IDBI બેંક દ્વારા એકાએક નલિયા મામલતદારને જાણ કરવામાં આવી હતી કે, વ્રજકુંવરબાની ૮૨ લાખ રૂપિયાની બેંક લોન ૧//૧૪ ના ભરાઈ ગઈ છે. જોકે, ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્રજકુંવરનબા કઈ રીતે બેંક લોનના ૮૨ લાખ રૂપિયા ભરી ગયા તેનો ખુલાસો ન તો IDBI બેંકે કર્યો કે ન તો નલિયા મામલતદારે કર્યો. દરમ્યાન કીર્તસિંહ જાડેજાએ વારંવાર ફરિયાદો કરીને તેમના મૃત માતૃશ્રીના નામેં બોગસ લોન લેનારાઓ અને બોગસ લોન આપનારા IDBI બેંક બળદિયા, ભુજ અને ઝોનલ શાખાના જવાબદારો વિરુદ્ઘ પગલાં ભરવા, ફરિયાદ દાખલ કરવા માંગ કરી, પણ કંઈ થયું નહીં. હવે છેક એપ્રિલ ૨૦૧૯ માં સીઆઇડી ક્રાઇમે કીર્તસિંહની ફરિયાદ નોંધીને ૨૦૧૦ થી ૨૦૧૪ દરમ્યાન થયેલા બેંક કૌભાંડની તપાસ હાથ ધરી છે.

 મુંબઈના કોટનકિંગ, નવી મુંબઈના વ્યાપારી, કચ્છના રાજકીય આગેવાન સામે આરોપ

 દરમ્યાન સીઆઇડી ક્રાઇમે કિર્તસિંહ જાડેજાની ફરિયાદ નોંધી છે. તેમ જ કુલ ૭.૮૨ કરોડના બેંક ફ્રોડના મામલે મુંબઈના કોટનકિંગ ભદ્રેશ વસંતરાય મહેતા, તેમના પત્ની હીનાબેન, પુત્ર પાર્થ મહેતા (ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશન)  ઉપરાંત નવી મુંબઈ વાશીના વ્યાપારી કમલેશ ઠકકર (અર્પિત ઇન્ટરનેશનલ) અને કચ્છના રાજકીય આગેવાન જેન્તી ઠકકર ઉર્ફે જેન્તી 'ડુમરા' ની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેન્તી 'ડુમરા' હાલ ભાજપ નેતા જેન્તી ભાનુશાલીની હત્યા કેસમાં સીઆઇડી ક્રાઇમના રિમાન્ડ હેઠળ છે.  આજે રિમાન્ડ પુરા થાય ત્યારે બેંક ફ્રોડમાં જેન્તી 'ડુમરા' સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરી ફરી બીજા રિમાન્ડની માંગણી કરાશે.

(11:32 am IST)