સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd March 2019

ધોરાજીમાં ખોદકામ દરમિયાન નવો ડામર રોડ તોડી નખાતા લતાવાસીઓમાં રોષ

ધોરાજી, તા.૨૨: પાવર હાઉસ નજીક આવેલા અલી નગર પાસેના નવા ડામર રોડને ખોદકામ દરમિયાન તોડી નાખવામાં આવતા લતાવાસીઓ અને રાહદારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજીના પાવર હાઉસ પાસે આવેલ અલીનગર તરફ જતા નવા ડામર રોડને અંડર ગ્રાઉન્ડ વાયરીંગ માટે તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ વ્યકત થવા પામ્યો હતો.

ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી પી.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ કામગીરી અણદ્યડ રીતે કરવામાં આવતા નવો નક્કોર ડામર રોડ મોટા પ્રમાણમાં ખોદી નખાયો હતો. તેમજ આ કામગીરી દરમિયાન પાણીની લાઈન પણ કપાઈ જવા પામી હતી.

આ અણધડ કામગીરીને કારણે લોકોમાં રોષ ઉઠતા અગ્રણી વિઠ્ઠલભાઇ હિરપરા, ગોપાલભાઈ સલાટ, ચિરાગભાઈ વોરા સહિત આગેવાનોએ વીજ કચેરી ખાતે અધિકારીઓને રજુઆત કરી હતી.

જોકે વર્ષો બાદ ધોરાજીમાં રોડ રસ્તાના કામો થયા અને પાવર હાઉસ પાસેનો આ ડામર રોડ ૨૦ વર્ષ પછી બન્યો હતો ત્યારે આ રસ્તો ખોદવામાં પાલિકા તંત્રની મંજૂરી મેળવાઈ હતી કે કેમ ? અને હવે આ ડામર રોડ ફરી કોના ખર્ચે રીપેર કરાશે? તે પણ એક પ્રશ્ન છે.. જો માર્ગ ખોદવાની મંજૂરી મેળવાઈ ન હોય તો કોન્ટ્રાકટરપાસેથી આ ખર્ચ વસુલ કરાશે ? કે પછી પ્રજાજનોને વિના કારણે સમસ્યા ભોગવવી પડશે તે જોવાનુંરહ્યું.

(11:54 am IST)