સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd February 2019

ગોંડલના ક્રાઇમનું મુખ્ય એ.પી. સેન્ટર નદીનો ખાડો વિસ્તાર !

ગોંડલ તા. ૨૨ : જેની નિમર્મ હત્યા કરાઇ તે આરતી જયાં રહેતી હતી તે નદી નો ખાડો ક્રાઇમ નું મુખ્ય મથક કહેવાય છે. હોસ્પિટલ ચોકથી છેક બાલાશ્રમ સુધીના માર્ગ ઉપર નદીકાંઠે ખાડામાં અંદાજે કાચાં પાકાં મકાનો સહીત ૩૦૦ ઝુંપડા છે. આ પૈકી કેટલાંક ગુન્હાખોરીનું ઘર મનાય છે.

અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ કાયમ ધમધમતી રહેછે. દારૂનાં વેપલાં ઉપરાંત ગાંજા ચરસ સહીત નશીલી પડીકીઓનું વેચાણ પણ બેરોકટોક ચાલે છે. જુગાર, વરલી કે ઘોડીપાસાનો જુગાર રોજીંદા રમાય છે. ગુજરાતમાં ખાસ કરીને જાહેર કાર્યક્રમ લોકમેળા કે શિવરાત્રી મેળામાં ચોરાતા મોબાઈલ ફોન નેટવર્ક ગોંડલી નદીના ખાડામાંથી જ ચાલી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં કેટલાક હિસ્ટ્રીશીટરો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અંગેની રીતસરની ટ્રેનિંગ પણ અપાય છે, બાદમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કૃત્યને અંજામ અપાય છે ખૂબીની વાત તો એ છે કે ઘરફોડ ચોરી માટે તાલીમ પામેલા નવા નિશાળિયાઓ ને પેકેજ પણ અપાય છે, જેમાં ચોરીમાં પકડાયા બાદ જ છોડાવવાની જવાબદારી પણ લેવાતી હોય છે. તાજેતરમાં જ મોબાઇલ ચોરી અંગેની ગેંગ વડોદરા પોલીસે પકડેલી તેના મૂળ આ ખાડા સુધી પહોંચ્યા હતા. સાડી ચોરીમાં છેક કચ્છથી સુરત સુધી મહિલા ગેંગની માયાજાળ પથરાઈ છે, અહીં વ્યાજે પૈસા આપવાની ધીરધાર પ્રવૃત્તિ પણ ચાલે છે. પોલીસે અવારનવાર આ વિસ્તારમાં દરોડા પાડી ગુનેગારોને ઝડપ્યા છે. પરંતુ બિલાડીના ટોપની માફક ફરી પાછી ગુનાખોરી યથાવત રહેવા પામી છે.

અહીંના મુખ્ય રહીશો સરકારની આવાસ યોજનામાં કવાર્ટર ધરાવે છે. પરંતુ ત્યાં ગુનાખોરી શકય ન હોય નદીનો ખાડો છોડવા કોઈ તૈયાર નથી, નદીના કાઠાં ઉપરના રહેણાંકો ગેરકાયદેસર છે, જે હટાવવા સરકારે અનેક સુચનો પણ કર્યા છે, દાયકા પહેલાં નદીમાં આવેલા પુર વેળા પણ આ વસાહત જોખમમાં મુકાઇ હતી ત્યારે તંત્ર દ્વારા વસાહત હટાવવા ખોટા હાકલા-પડકારા કરાયા હતા.

પ્રાંત અધિકારી દ્વારા પણ નદી કાંઠે વસેલી અને ક્રાઇમનું એપી સેન્ટર બનેલી આ વસાહત હટાવવા નગરપાલિકા તંત્ર ને સાથે રાખી કમર કસી હતી પરંતુ આજ સુધી તંત્ર નાકામ રહેવા પામ્યુ છે.(૨૧.૧૫)

(12:33 pm IST)