સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

વિંછીયા પાસે પોલીસની જીપને ઠોકર મારી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા રેઢી મૂકી ચાલક છૂ...

રાજકોટ પોલીસની બાતમી ઉપરથી જસદણ-વિંછીયા પોલીસ પીછો કરતા અંતે ચાલાક દારૂ ભરેલી કાર મૂકી ભાગ્યોઃ ૪ લાખનો દારૂ સહિત ૧૯ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. રર : વિંછીયા પાસે ગત રાત્રે આટકોટ, વિંછીયા અને જસદણ પોલીસે દારૂ ભરેલી ઇનોવા કારનો પીછો કરતા અંતે ચાલાક દારૂ ભરેલી કાર રેઢી મૂકી છનન થઇ ગયો હતો પોલીસે ૪ લાખનો દારૂ સહિત ૧૯ લાખનો મુદામાલ કબ્જે કરી ચાલાકની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તરફથી રાત્રે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કાર વિંછીયા-જસદણ તરફ આવી રહી હોવાની રાજકોટ પોલીસને બાતમી મળતા પી.એસ.આઇ. કે.પી. મેતાએ જસદણ તથા વિંછીયા પોલીસ મથકને જાણ કરતા જસદણ વિંછીયા પોલીસ મથકના પી.એસ.આઇ. ટી.એસ. રીઝવી સહિતનો કાફલો વોચમાં ગોઠવાઇ ગયો હતો. જસદણ અને આટકોટ પોલીસની ભીંસ જોઇ દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કાર નં. જી.જે.-૬ પી.ડી.૯૪ર૦ ના ચાલકે કાર વિંછીયાના ભડલી રોડ ઉપર ભગાવી મૂકી હતી જયાં વોચમાં રહેલ વિંછીયાના પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફે ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલાક વિંછીયા પોલીસની જીપને ઠોકર મારી ભડલી રોડ ઉપર નાસી છુટયો હતો. જો કે, પી.એસ.આઇ. રીઝવી તથા સ્ટાફે દારૂ ભરેલી ઇનોવા કારનો પીછો કરતા અંતે ચાલાક દારૂ ભરેલી ઇનોવા બંધાણી ગામ પાસે રેઢી મૂકી નાસી છુટયો હતો. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાંડના વિદેશી દારૂની બોટલ નંગ પર૯ કિ.૪ લાખ તથા કાર મળી કુલ ૧૯ લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલ કારચાલક સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(12:58 pm IST)