સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

માળીયા હાટીનાના જુથળ ગામે પુત્રના હાથે પિતાની હત્યા

રાત્રે ઝઘડો થતા છરી ઝીંકી દઇ પતાવી દીધાની મૃતકના પત્નીની પુત્ર સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.રર : માળીયા હાટીનાના જુથળ ગામે રાત્રે પુત્રએ છરી ઝીંકી દઇ પિતાની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ છે.

હત્યાના આ બનાવમાં રાત્રે બંને વચ્ચે ઝઘડો થતા પતાવી દીધા હોવાની મૃતકના પત્નીએ પોતાના જ પુત્ર સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે મેરામણભાઇ જીવાભાઇ કાથડ (ઉ.પ૦) તેમના પત્ની વિજયાબેન અને પુત્ર ગોવિંદ (ઉ.૧૯) સાથે રહે છે.

ગત રાત્રે પિતા-પુત્ર વચ્ચે માથાકુટ થઇ હતી અને ઝઘડો ઉગ્ર થઇ જતા પુત્ર ગોવિંદે ઉશ્કેરાઇ જઇને તેના પિતા મેરામણભાઇ પર છરી વડે હુમલો કરી દીધો હતો.

જેમાં મેરામણભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતું. પણ આ અંગે વિજયાબેન કાથડે ફરીયાદ કરતાં માળીયા  પોલીસે પુત્ર ગોવિંદ સામે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પીએસઆઇ એચ. વી. રાઠોડે ત્વરિત તપાસ હાથ ધરીને ગોવિંદની તેના પિતાની હત્યા સબબ ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

(11:54 am IST)