સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જુનાગઢ હોસ્પિટલના કમ્પાઉન્ડરને બે શખ્સે પૈસા માટે ધમકી દેતાં એસિડ પીધું

મોટા કાજલીયાળાના શખ્સો અવાર-નવાર હેરાન કરતાં હોવાનો પિતાનો આક્ષેપઃ મુળ માણાવદરના યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૨: માણાવદર રહેતાં અને જુનાગઢની આશીર્વાદ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરતાં હિતેષ મેરામભાઇ કટારીયા (ઉ.૨૫) નામના દલિત યુવાને ગઇકાલે બપોરે માણાવદર તેના ઘરે એસિડી પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હિતેષ ચાર બહેન અને બે ભાઇમાં નાનો અને કુંવારો છે. તેના પિતા મેરામભાઇ જેઠાભાઇએ જણાવ્યું હતું કે હિતેષ જુનાગઢ દવાખાનામાં નોકરી કરતો હોઇ ત્યાં જ રહે છે. મહિનામાં એક-બે વખત માણાવદર આવે છે. ગઇકાલે તે ઘરે હતો ત્યારે મોટા કાજલીયાળાના બે શખ્સોએ ઘરે આવી પૈસા માટે ધમકાવતાં તેણે ગભરાઇને એસિડ પી લીધું હતું.

મેરામભાઇએ આક્ષેપ કર્યો હતો કે કાજલીયાળાના બંને શખ્સ માથાભારે છે અને ગમે તેની પાસે પૈસા પડાવે છે. અગાઉ પણ હિતેષને જુનાગઢમાં ધાક ધમકી આપી બારેક હજાર પડાવી લીધા હતાં. ગઇકાલે બંને માણાવદર પૈસા પડાવવા આવ્યા હતાં. ગભરાઇને હિતેષે આ પગલું ભર્યુ હતું. જુનાગઢ પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.

મોટા ગુંદાળાનો વિનોદ તાપણાથી દાઝયો

 જેતપુરના મોટા ગુંદાળામાં રહેતો વિનોદભાઇ ગોવિંદભાઇ કોટડીયા (ઉ.૩૫) ૧૩મીએ તાપણુ તાપતો હતો ત્યારે ભડકો થતાં દાઝી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.

(11:41 am IST)