સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જામગઢમાં 'તું નવરાત્રી વખતથી ધ્યાનમાં છો' કહી પ્રકાશને ત્રણ જણાએ પાઇપથી ફટકાર્યો

સરપંચના પુત્ર રમેશ તથા સાથેના રમેશ ધના અને વનરાજ સામે ફરિયાદરાજકોટ તા. ૨૨: કુવાડવા તાબેના જામગઢમાં રહેતાં કોળી યુવાન પ્રકાશ નરસીભાઇ સદાદીયા (ઉ.૨૮)ને નવરાત્રી વખતના મનદુઃખનો ખાર રાખી સરપંચના દિકરા સહિત ત્રણ જણાએ ગાળો દઇ લોખંડના પાઇપથી માર મારતાં સારવાર લેવી પડી છે.

કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ પી.સી. મોલીયાએ પ્રકાશની ફરિયાદ પરથી રમેશ ઘુસાભાઇ કોળી, રમેશ ધનાભાઇ કોળી અને વનરાજ રમેશભાઇ સામે ગુનો નોંધ્યો છે. પ્રકાશે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સાંજે ગામમાં સમાજની વાડી પાસે હતો ત્યારે ત્રણેય મોટરસાઇકલમાં આવ્યા હતાં અને 'નવરાત્રી વખતથી તું ધ્યાનમાં જ છો' તેમ કહી ગાળો દઇ પાઇપથી હુમલો કરી પગમાં ઇજા કરી હતી. તેમજ માથામાં પણ ઘા ફટકારતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

હુમલો કરી ત્રણેય ભાગી ગયા બાદ ૧૦૮ને ફોન કરી પોતે કુવાડવા સારવાર લીધા બાદ રાજકોટ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે રમેશના પિતા ઘુસાભાઇ સરપંચ છે. નવરાત્રી વખતે તેની દિકરીને સરપંચે ગરબીમાં ન રાખતાં તે બાબતે માથાકુટ થઇ હતી. ત્યારનું મનદુઃખ રાખી તેના પુત્ર રમેશ સહિતનાએ હુમલો કર્યો હતો.

(11:39 am IST)