સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

હડાળામાં બીડીના ધુંવાડાથી થતી સારવાર નર્યુ તુત પુરવાર

ખાખી બાપુ નગીન આંબલીયાના કારસ્તાનો ખુલ્લા પડયા : વિજ્ઞાન જાથા દ્વારા ૧૧૫૯ મો પર્દાફાશ : પોલીસનો મિજાજ પારખી બાપુએ માફી માંગી હવે આવુ નહીં કરવા કબુલાત કરી

બીડીના ધુવાણે લોકોના રોગ મટાડવા નીકળેલ હડાળાના ખાખી બાપુ એટલે કે નગીન આંબલીયાએ વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ સમક્ષ સઘળી હકીકતોની કબુલાત કરી હવેથી આવુ નહી કરવાની લેખીત કબુલાત કરી લીધી હતી તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨ : અંધશ્રધ્ધા કયાં જઇને અટકશે? હડાળામાં કાઇ નહીં તો બીડીના ધુવાણાથી સારૂ થઇ જવાની વાતો વહેતી થઇ અને ખાખીબાપુની બોલબાલા નિકળી પડી હતી. પરંતુ હંમેશની માફક વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ સાથે ત્રાટકી અને દુધનું દુધ અને પાણીનું પાણી કરતા વધુ એક ડીંડક લીલા ઉઘાડી પડી ગઇ હતી.

વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટની ભાગોળે મોરબી રોડ ઉપર આવેલ હડાળા ગામમાં કોઇ ખાખી બાપુ દ્વારા બીડીનો ધુવાણો આપી લોકોની સારવાર થઇ રહ્યાની ફરીયાદો મળી હતી.  આ માટે પોલીસ ફરીયાદ માટે આગળ આવવા આહવાન કરાયુ હતુ અને કેટલાક લોકોએ હિમ્મત દર્શાવતા આખુ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

બનાવની લોકોમાં ચર્ચાતી અને જાથાએ મેળવેલ વિગતો મુજબ હડાળાના વતની એવા નગીન મનસુખ આંબલીયા વાણંદ કામની દુકાન ધરાવતો હતો અને એક દિવસ કોઇ સાધુએ ચા - પ્રસાદની માંગણી કરી હતી. આ વાણંદ શખ્સે સારો વ્યવહાર કરતા સાધુ તેને એવા આશીર્વાદ આપતા ગયા કે આજથી તુ બીડીનો ધુવાણો જેને આપીશ તેના દુઃખ દર્દ રોગ દુર થઇ જશે.

બસ પછી તો નગીન આંબલીયાની નીકળી પડી હતી. વાસ્તવીકતા જે હોય તે પરંતુ આવી સારવાર તેણે શરૂ કરી અને ધીરે ધીરે અફવાએ જોર પકડયુ. ખાખી બીડી પીતા હોય ખાખી બાપુના નામે ઓળખાવા લાગ્યા. મંગળ, ગુરૂવાર અને શનિવારે આવી સારવાર આપવાનુ઼ ચાલુ કરાતા શરૂઆતમાં પ થી ૧૦ હજાર અને છેલ્લે તાજા આંકડાઓ મુજબ ૨૦ થી ૨૫ હજાર લોકો આવી સારવાર કરાવવા આવવા લાગ્યા. સારૂ થયુ ન હોય તેવા લોકો પણ માસ હિસ્ટેરીયા મુજબ હકારમાં માથુ ધુણાવ્યે જતા આ વાત ખુબ પ્રસરતી ગઇ.

ગામમાં કાંઇ નહોતુ તેવા માર્ગો ઉપર મંગળ, ગુરૂ અને શનિવારે લારી ગલ્લાવાળાઓના ધંધા પણ ધમધમવા લાગ્યા. ખાખી બાપુ તો ખુબ છવાય ગયા. આંધળાને દેખતા કર્યા, લંગડાને દોડતા કર્યા જેવી સાવ હંબંગ વાતો અફવાના જોરે પ્રસરતી ગઇ અને માનવ મેરામણ હડાળામા ઉમટવા લાગ્યો.

પરંતુ હંમેશની જેમ આ બધુ પણ બોગસ જ પુરવાર થયુ. જયારે વિજ્ઞાન જાથાએ હકીકતોની ચકાસણી કરી અને  પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલને જાણ કરી કુવાડવા પોલીસ સ્ટેશનના સહયોગથી ઓપરેશન હાથ ધર્યુ તો ખાખી બાપુ ઢીલા ઢફ થઇ ગયા.

પહેલા તો ટેકેદારોને લઇને પોલીસ સ્ટેશને હાજર થઇ ગયા હતા. પણ પોલીસે પોતાનો અસલ મિજાજ બતાવતા સઘળી હકીકત કબુલી લઇ જણાવેલ કે આ બધુ ખોટુ જ છે. લોકો પોલીસ ફરીયાદ લખાવવા તૈયાર છે અને કાર્યવાહી થશે તો મુશ્કેલી થશે તેવુ જણાતા ખાખી બાપુ નગીન આંબલીયાએ માફા માફી શરૂ કરી દઇ હવેથી આવુ બીડીની સારવારનું તુત બંધ કરી દઇ કયારેય આવુ નહી કરવાની લેખિત કબુલાત આપતા મામલો અહીં પૂર્ણ જાહેર કરાયો હતો.

આમ વિજ્ઞાન જાથાએ અંધશ્રધ્ધા દુર કરવાના અભિયાનના ભાગરૂપે આ ૧૧૫૯ મો પર્દાફાસ સફળ રીતે પાર પાડયો હતો.

ધતીંગ લીલા બંધ કરાવવાની આ કામગીરીમાં ઉદ્યોગપતિ કિશોરભાઇ હાપલીયા, મનસુખભાઇ ગોહિલ, રોમીત રાજદેવ, ભાનુબેન ગોહિલ, અંકલેશભાઇ, મહેશ પટેલ વગેરે સાથે જોડાયા હતા.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ ના સેની, કુવાડવા પોલીસ સ્ટાફની મદદથી વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક અંધશ્રધ્ધાના બનાવની ઘટનાનો પર્દાફાશ કરાયો હોવાનું જાથાના રાજય ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ જણાવેલ છે. (૧૬.૧)

(11:32 am IST)