સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

ફેબ્રુઆરીમાં યોજાનાર સોમનાથ જ્યોર્તિલિંગ મહોત્સવમાં

દેશના તમામ ૧૨ જ્યોર્તિલિંગની પ્રતિકૃતિઓ બનાવી પૂજન કરાશે

ભારતના ૧૨ જ્યોર્તિલિંગની પવિત્ર ભૂમિની માટીમાંથી શિવ પાર્થેશ્વર બનાવી દરરોજ આરતી - પૂજનનો લાભ ભકતોને આપવા આયોજન : મહોત્સવ પહેલા ૧૧ જ્યોર્તિલિંગની પ્રતિકૃતિ સાથેનો રથ ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી સોમનાથ પહોંચશે : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરૂના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

પ્રભાસ-પાટણ તા. ૨૨ : સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી ૨૩, ૨૪, ૨૫ના રોજ યોજાનાર દ્વિતીય જ્યોર્તિલિંગ સમારોહ અંગે તમામ જ્યોર્તિલિંગની પ્રતિકૃતિઓ બનાવી તેમનું પૂજન અને શોભાયાત્રા કાઢવામાં આવશે.

આ મહોત્સવ અંતર્ગત સોમનાથ સહિત ભારતના બારે-બાર જ્યોર્તિલિંગની પવિત્ર ધરતી પરથી લવાયેલી માટીમાંથી શિવ પાર્થેશ્વર બનાવી તેનું દરરોજ પૂજન - આરતી અને ભાવિકોને દર્શન પુણ્ય પ્રાપ્તિ આયોજનમાં સમાવેશ કરાઇ રહ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

વિદ્વાનોનો ગોષ્ઠી - પરિસંવાદ તેમજ બધા જ મંદિરોના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક મહાત્મય અંગે સમજ - નિર્દેશન, પૂજન - પરંપરાઓની ચર્ચા સાથે કર્મકાંડ, વેદ, વેદાંગ, મંદિર સંચાલન, પૂજાની જુદી-જુદી પધ્ધતિઓ અને અનાદિ કાળથી ચાલી આવતી પૂજાઓ અંગેની અરસ-પરસ જાણકારી મહોત્સવમાં આવનારા લોકો જાણી શકશે.

રાષ્ટ્રીય કક્ષાનો આ મહોત્સવ છે જે માટે દેશના વિવિધ ભાગોના - વિવિધભાષી પૂજારીઓ - ટ્રસ્ટીઓ - સંચાલકો આવનાર હોઇ અરસ-પરસ ભાષાના દુભાષીયા પ્રબંધ પણ વિચારાઇ રહ્યો છે. મહોત્સવ પહેલા ૧૧ જ્યોર્તિલિંગની પ્રતિકૃતિ સાથેનો રથ ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી જુદા-જુદા જ્યોર્તિલિંગ રથ પસાર થશે અને દર્શન લાભ મળશે.

કુંભ મેળા સમાન આ જ્યોર્તિલિંગ મહોત્સવના દરેક રથ જિલ્લામાં ભ્રમણ કરી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પહોંચશે અને મહોત્સવ પ્રારંભ દિને સોમનાથ પહોંચશે.

પ્રસંગાનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થઇ રહ્યું છે.(૨૧.૫)

(10:24 am IST)