સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ તસ્કરે ના મુકયા : સીસીટીવી કેમેરામાં કેદ

મોરબી તા. ૨૨ : વધતા ચોરીના બનાવો, પોલીસની નિષ્ક્રિયતા બહાર આવી છે. મોરબી પંથકમાં તસ્કરો પોલીસની નિષ્ક્રિયતાથી બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક ચોરીના બનાવો બની રહયા છે તો સોમવારે વહેલી સવારે શનાળા રોડ પરથી તસ્કરે ભૂગર્ભ ગટરના ઢાંકણાને પણ છોડ્યું નથી અને સમગ્ર ઘટના નજીકના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

મોરબીના સરદાર બાગ નજીક શનાળા રોડ પર આજે સવારના સુમારે એક ઇસમ દ્વારા ભૂગર્ભ ગટરના ઢાંકણાની ચોરી કરવામાં આવી હતી સવારે વાહનોનો ટ્રાફિક ઓછો હોય જેથી મોકાનો ફાયદો ઉઠાવીને શાલ ઓઢેલ એક ઇસમ ઢાંકણું કાઢી જતો રહ્યો હતો જે સમગ્ર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઇ છે તો અગાઉ લગ્નપ્રસંગમાં થયેલ ચોરી, ટંકારા નજીક ચોરીની ઘટનાઓ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જોકે આમ છતાં તસ્કરો પોલીસના હાથ ઝડપાયા નથી લગ્નપ્રસંગમાં ચોરી કરનાર એક ટાબરિયો હાથ લાગ્યો છે જોકે તેની સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે તેમ નથી તો મુખ્ય સુત્રધારો નાસી ગયા છે અને શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગેલા હોય અને સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા મોનીટરીંગ રૂમ પણ છે જોકે તેમાં માત્ર ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ જ બનાવવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે અને કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.(૨૧.૩)

(9:41 am IST)