સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જામકંડોરણા તાલુકામાં આફત વરસી, દુષ્કાળગ્રસ્ત જાહેર કરોઃ ભાવનાબેન

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ, તા. ૨૨  :. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સભ્ય (ચિત્રાવડ) શ્રીમતી ભાવનાબેન એસ. ભૂતે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જામકંડોરણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે.

ભાવનાબેને પત્રમાં જણાવ્યુ છે કે, જામકંડોરણા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી અપુરતા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. સરકાર દ્વારા જામકંડોરણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાયેલ છે. ફકત વરસાદના આંકડા અને તે પણ તાલુકા મથકના આંકડા જોઈને અછત કે અર્ધઅછત જાહેર કરાયા છે. હકીકતમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બિલકુલ નહિવત છે. ગત વર્ષે પણ પાકવિમા ચુકવણીમાં આ તાલુકાને અન્યાય થયેલ છે. મગફળીનો પાકવિમો નામ માત્રનો ૧૦ થી ૧૫ ટકા ચુકવાયો છે, જ્યારે કપાસનો પાકવિમો બિલકુલ ચુકવાયો નથી. તાલુકામાં એક પણ સિંચાઈ માટેના ડેમ ન હોવાથી એકદમ સૂકો વિસ્તાર છે. જ્યારે સિંચાઈ ધરાવતા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી અમારા જામકંડોરણા તાલુકાને અન્યાય કરવામાં આવેલ છે. ઔદ્યોગિક રીતે કંડોરણા રાજકોટ જિલ્લામાં સૌથી વધારે પછાત છે ત્યારે ખેતમજુરોની હાલત ખૂબ કફોળી બની ગયેલ છે. જામકંડોરણા તાલુકાને તાત્કાલીક અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા તાલુકાના ખેડૂતોની લાગણી અને માંગણી છે.(૨-૧)

(9:36 am IST)