સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd January 2018

તસ્કરોનો તરખાટ

ટંકારામાં મંદિરની દાનપેટી-બે બંધ મકાનમાંથી અર્ધા લાખની ચોરી કરી પોલીસને પડકાર

લક્ષ્મીનારાયણનગરના બે બંધ મકાનમાં ૨૦ હજાર રૂપિયા રોકડા, ચાંદીના સિક્કા અને ટી.વી.ની ચોરીઃ રામદેવપીર મંદિરની દાનપેટીમાંથી ૨૭ હજાર રોકડની ચોરીઃ ચોરી કરનારા ત્રણ શખ્સો સીસીટીવીમા કેદ

ટંકારામાં રામદેવપીર મંદિરની દાનપેટી તોડી તસ્કરો રૂ. ૨૦ હજાર રોકડા ચોરી ગયા હતા. તસ્વીરમાં જે સ્થળે ચોરી થઈ તે મંદિર દર્શાય છે (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

ટંકારા, તા. ૨૨ :. અહીં ખતે શનિવારે તા. ૨૦ના રાત્રે લક્ષ્મીનારાયણનગરના બે બંધ મકાનના તાળા તોડી રોકડ તથા ટીવીની ચોરી થયેલ છે. જ્યારે અયોધ્યાપુરીમાં આવેલ શ્રી બાબા રામદેવપીર મંદિરની દાનપેટી તોડી આશરે પંદરથી વીસ હજારની ચોેરી થયેલ છે.

ટંકારામાં સરદારનગરમાં ચોરીને ઈરાદે આવેલ તસ્કરોને જીઆરડીસીના જવાનની જાગૃતતાના કારણે નાસી ગયેલ તે બનાવને અઠવાડીયુ વિત્યુ નથી ત્યાં તસ્કરોએ એકી સાથે ત્રણ જગ્યાએ ચોરી કરીને પડકાર ફેંકેલ છે.

ટંકારામાં લક્ષ્મીનારાયણનગરમાં રહેતા સાવકીના હાર્દિક ખીમજીભાઈ ભેંસદડીયાના બંધ મકાનમાં ગયા માસમાં ૧૦ તારીખે ચોરી થયેલ. આજે તસ્કરોએ ફરીથી આજ બંધ મકાનને નિશાન બનાવેલ છે અને તાળા તોડી ૧૭૦૦૦ રૂ.નુ ટીવી ચોરી ગયેલ છે.

બાજુની શેરીમાં રહેતા અને જોધપુરઝાલા ખાતે પ્રા. શાળામાં ફરજ બજાવતા ઝાલા જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ બહાર ગામ ગયેલ. તેમના બંધ મકાનના તાળા તોડી તસ્કરો કબાટ વિગેરે તોડી રોકડ રૂ. ૨૦૦૦૦ (વીસ હજાર) તથા ચાંદીના સિક્કા બે વિગેરે ચોરી ગયેલ છે.

તસ્કરોએ ત્રીજુ નિશાન અયોધ્યાપુરીમાં આવેલ શ્રી બાબા રામદેવપીર મંદિરની દાન પેટી તોેડી રોકડ રકમ લઈ ગયેલ છે. દાન પેટીમાં છેલ્લા ચાર વર્ષથી આવેલ રકમ હતી. આશરે પંદરથી વીસ હજાર રૂપિયા હોવાનું જણાવાય છે.

નજીકના સીસીટીવી કેમેરામાં ત્રણ વ્યકિતઓ તસ્કરો હોવાનું જાણવા મળે છે. પોલીસને જાણ કરતા તપાસમાં દોડી ગયેલ છે.

(11:55 am IST)