સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd January 2018

ઉનામાં યુવતીના પર્સની ચીલઝડપઃ બાઈકસવારો મોબાઈલ-રોકડ લૂંટી ગયા

લૂંટના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદઃ લૂંટારૂઓની શોધખોળ

ઉના, તા. ૨૨ :. શહેર-તાલુકામાં છાસવારે ચોરી-લૂંટના બનાવો બને છે. તસ્કરોને જાણે પોલીસની બીક ન હોય તેમ ગઈકાલે બપોરના સમયે ઉના શહેરમાં જાહેર બગીચા પાછળ આવેલ ગલીબા રોડ ઉપર હરીહર આઈસ ફેકટરી તથા રામ એગ્રો નામની દુકાન પાસે કોડીનાર તાલુકાના દુદાણા ગામની યુવતી ચેતનાબેન ગીજુભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨, કારડીયા રાજપૂત) ચાલીને જતી હતી ત્યારે પાછળથી ડબલસ્વારી મોટર સાયકલ ઉપર કેશરી કલરઅને પીળા કલરનું ટીશર્ટ પહેરેલ બે અજાણ્યા યુવાનો આવી યુવતીના હાથમાં રહેલ લેડીઝ પર્સ ઝુંટવી લઈ લૂંટ કરી નાસી ગયા હતા.

 

ઉના પોલીસમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ સેમસંગ કંપનીનો મોબાઈલ, રોકડા રૂ. ૫૦૦ તથા ચૂંટણીકાર્ડ પર્સમાં હોય તે લૂંટ કરી બાઈક સવારો નાસી ગયા. પોલીસે લૂંટના બનાવ સ્થળે આવેલ દુકાનના સીસીટીવી કેમેરાના ફુટેજ જોતા બન્ને યુવાનો કેમેરામાં દેખાય છે. પોલીસે તેના આધારે પકડવા તજવીજ હાથ ધરી છે. ઉનામાં લોકો સલામત રહ્યા નથી. જાન-માલની પણ સલામતી ન હોય ઉનામાં કડક, બાહોશ પોલીસ અમલનારની નિમણૂક કરાય તેવી લોક માંગણી ઉઠી છે.(૨-૨)

(9:54 am IST)