જસદણના જીવાપરનો યુવાન વિજય ડાભી ભુલથી એસિડ પી જતાં મોત
ભાડલાના રામાભાઇ રાઠોડનું બેભાન હાલતમાં મોત
રાજકોટ તા. ૨૧: જસદણના જીવાપરમાં રહેતો વિજય કાળુભાઇ ડાભી (ઉ.વ.૨૭) નામનો યુવાન ગઇકાલે સવારે ઘરે એસિડ પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આટકોટ પોલીસને જાણ કરી હતી. વિજય ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે છુટક મજૂરી કરતો હતો. તેના સગાના કહેવા મુજબ કેટલામ સમયથી વિજયની માનસિક હાલત પણ અસ્વસ્થ જેવી હતી. આ કારણે ભુલથી તે એસિડ પી ગયો હતો. આટકોટ પોલીસ વધુ તપાસ કરે છે.
બીજા બનાવમાં જસદણના ભાડલામાં રહેતાં રામાભાઇ કાનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ભાડલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રામાભાઇને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેઓ ખેત મજૂરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.