સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

શનિવારે થયેલી હત્યાના ઘટનાના આરોપી હજુ ઝડપાયા નથી ત્યાં જ

ભાવનગરમાં બે કલાકમાં વધુ બે હત્યા

રેલ્વેમાં કોન્ટ્રાકટર ઉપર રહેલા ડ્રાઇવર યુવાનને છરી ઝીંકી પતાવી દીધો : છેડતી અંગે ઠપકો આપતા પૂત્રના પિતાની લોથ ઢાળી નાખી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૧ : ભાવનગરમાં ગઇકાલે મોડી સાંજે થયેલ હત્યાનાં બે બનાવોમાં આરોપી હજુ ઝડપાયા નથી. પૈસાની ઉઘરાણીમાં એક યુવાનની હત્યા થઇ હતી અને બીજા બનાવમાં પુત્રીની છેડતી કરતાં ઠપકો આપતાં પુત્રીનાં પિતાની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો હતો.

ભાવનગર શહેરમાં ગઇકાલે સાંજે ખુનનાં બે બનાવો બનવા પામ્યા હતા. બન્ને બનાવો અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આજ સવાર સુધી આરોપીઓ ઝડપાયા ન હોવાનું ફરજ પરનાં પી.એલ.ઓ. એ. જણાવ્યું હતું.

હત્યાનાં પહેલા બનાવમાં શહેરમાં દાદાનગર રેલવે કોલોની નજીક રહેતા અને રેલ્વેમાં કોન્ટ્રાકટ પર ડ્રાઇવરની નોકરી કરતાં જયદિપ બાબુભાઇ મકવાણા (ઉ.વ.ર૭) નામનાં યુવાનની પૈસાની ઉઘરાણી બાબતે શકિત રાઠોડ અને લાલો નામનાં શખ્સે છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. આ અંગે મોડી રાત્રે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

જયારે ખુનનાં બીજા બનાવમાં શહેરનાં કુંભારવાડા નારી રોડ અક્ષર પાર્કમાં રહેતા અને હિરાનાં કારખાનામાં કામ કરતાં રણછોડભાઇ સુરસંગભાઇ ધરાજીયા (ઉ.વ.૩પ)ની ઉપર છરી વડે હુમલો કરી ધવલ નાનુભાઇ ધરાજીયા નાનાં શખ્સે હત્યા કરી નાખી હતી. આરોપી ધવલ મૃતક રણછોડભાઇની પુત્રીની છેડતી કરતો હોય તેને ઠપકો આપવા જતા આરોપીએ ઉશ્કેરાઇ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.  એક જ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કલાકમાં બે હત્યાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. બન્ને હત્યાનાં આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આજ સવાર સુધી આરોપી ઝડપાયા ન હતા.

(11:27 am IST)