સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરતા જીપ પુલ પર લટકી

પોલીસ જીપને અકસ્માત નડ્યો : પોલીસ મુખ્યમાર્ગ અને અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ ઘુસાડવાના કીમિયાને નિષ્ફળ બનાવી રહી છે

અરવલ્લી, તા.૨૧ : અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે. મોડાસા ગ્રામ્ય પોલીસે મદાપૂર નજીક વાહનોનું ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લે તે પહેલા કાર ચાલક પોલીસને ચકમો આપી ફૂલ સ્પીડે કાર હંકારી મુકતા પોલીસે જીપમાં કારનો પીછો કરતા પોલીસજીપ રખીયાલ નજીક કાદવ કીચડમાં ફસાઈ રેલાઈ મેશ્વો નદીના પુલ પર લાગેલી રેલિંગ સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે પોલીસજીપ પુલ પર લટકી જતા જાનહાની ટળી હતી મોડાસા રૂરલ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સહીત બે શખ્સો સામે ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બુટલેગરો હવે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગનો ઉપયોગ કરી રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે પોલીસતંત્ર જીલ્લાના મુખ્યમાર્ગ અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરી વિદેશી દારૂ ઘુસાડવાના કીમિયાને નિષ્ફળ બનાવી રહી છે.

         મોડાસા રૂરલ પોલીસે મદાપૂર-કેશાપુર રોડ પર પોલીસજીપ સાથે પ્રોહિબિશન કામગીરી હેઠળ વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સફેદ કલરની સ્વીફ્ટ કારને ચેક કરવા જતા સ્વીફ્ટ કારના ચાલકે કાર રખીયાલ વાળા રોડ પર હંકારી મુકતા પોલીસે જીપમાં પીછો કરતા અંતરિયાળ વિસ્તારમાં સ્વીફ્ટ કાર અને પોલીસજીપ વચ્ચે સર્જાયેલ ફિલ્મી દ્રશ્યોથી ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. રખિયાલ ગામ નજીક સ્વીફ્ટ કારનો ચાલક કાદવ-કીચડ માંથી નીકળી ગયો હતો પીછો કરતી પોલીસજીપ કાદવ કીચડમાં ફસાતા રેલાઈ જતા મેશ્વો નદીના પુલ પર બનાવેલ રેલિંગ સાથે ભટકાઈ લટકી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા અટકી ગયો હતો. મેશ્વો નદીના પુલ પર પોલીસજીપ લટકી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા સદનસીબે કાર પુલની રેલીંગ સાથે ટકરાઈ અટકી જતા જાનહાની ટળી હતી પોલીસજીપ ને ભારે નુકશાન પહોંચ્યું હતું મોડાસા રૂરલ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક અને કારમાં બેઠેલા અજાણ્યા શખ્સ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(9:07 pm IST)