સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

મોટી લાખાવડ ગામે ૩.૧૩ કરોડના ખર્ચે બનનારા બ્રિજના કામનું ખાતમુર્હૂત

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાના : ઓરી ગામે ૧૪ લાખના ખર્ચે બનેલી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ

રાજકોટ તા. ૨૧ : રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે વિછીયા તાલુકાના મોટી લાખાવડ ગામે રૂ.૩.૧૩ કરોડના ખર્ચે બનનારા બ્રિજના કામનું ખાતમુર્હૂત અને ઓરી ગામે રૂ.૧૪ લાખના ખર્ચે બનેલી ગ્રામ પંચાયતની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉપસ્થિત ગ્રામજનોને નવા વર્ષની શુભકામના પાઠવી સહર્ષ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા લોકોને રસ્તા, ગટર, વીજળી, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતની પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. આપણા મોટી લાખવડ ગામના નિનામા રોડ ઉપર સુખભાદર નદી ઉપર ૧૦૮ મીટર લંબાઈનો બ્રીજ બની જતા મુસાફરો-વાહન ચાલકોને, ગ્રામજનોને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થશે. ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. ચોમાસામાં લોકોને નદીમાથી પસાર થવું પડતુ હોય છે પરંતુ હવે પુલ બની જતા તેના ઉપરથી સલામત રીતે પસાર થઈ શકશે. જસદળ અને વિછીયા તાલુકા બંનેને જોડતા આ પુલથી ચોટીલા અને સાયલાથી આવતા લોકોને પણ આ સૌથી ટૂંકો રસ્તો પ્રાપ્ત થશે.

ઓરી ગામના ગ્રામ પંચાયતની નવી કચેરીની જાણવણી કરવાની જવાબદારી ગ્રામજનોને લેવા વિન્નતી કરી હતી. શ્રી બાવળિયાએ ગ્રામજનોના સૂચનો-સમસ્યાઓ જાણી હતી અને તેના નિરાકરણની ખાત્રી આપી હતી.

આ કાર્યક્રમમાં સરપંચ વસ્તાભાઈ દુમદિયા, જગુભાઈ ખાચર, આગેવાનો આંબાભાઇ ઓડકીયા, નયનભાઈ વાલાણી, ચતુરભાઈ રાજપરા, મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી વી.બી.માંડલીયા, આર.બી.ગાંગી, કાર્યપાલક એજનેર બી.બી.પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર એસ.વી.ડાંગર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(11:51 am IST)