સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st November 2019

ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના

પૂ.મીનળબાઈ મ.સ.કાળધર્મ પામ્યાઃ તપસમ્રાટ તીર્થધામ ખાતે અંત્યેષ્ઠીઃ કાલે ગુણાનુવાદ સભા

ગોં.સં.ના પૂ.સુશાંતમુનિ મ.સાહેબે ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે અનશન વ્રતના પચ્ચખાણ અંગીકાર કરાવેલઃ પૂ.પારસ મુનિ મ.સા., ડુંગર દરબારના વિશાળ સતિવૃંદ તથા અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ,તા.૨૧: સાધુએ તો સહન જ કરવાનું હોય.સહન કર્યા વગર સિદ્ઘ ન બનાય.અશાતાનો ઉદય તો આવ્યા કરે.કર્મો એની ફરજ બજાવે,ઉદય સમયે હાય..હાય નહીં કરવાની.સમતા ભાવે કર્મોનો સહર્ષ સ્વીકાર કરવાનો.મારો અંતિમ સમય હોસ્પિટલમાં નહીં પરંતુ ધર્મ સ્થાનકમાં હોય એવું સૌ કરજો.ઉપાશ્રય પવિત્ર સ્થાન કહેવાય. કણ કણમાં કેવળી ભગવંતો દેખાય અને દિવાલમાં દેવાધિદેવના દર્શન થાય.આ શબ્દો છે,ગોંડલ સંપ્રદાયના ગુરૂ પ્રાણ એવમ મુકત - લીલમ પરીવારના પૂ.સન્મતિજી મ.સ.ના સુશિષ્યા સહનશીલતાની મૂર્તિ સમાન સાધ્વી રત્ના પૂ.મીનળબાઈ મ.સ.ના.

પૂ.મીનળબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયત થતાં તા.૩૦/૯ ના રોજ રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલ. તા.૨/૧૦ ના રોજ પૂ.મીનળબાઈ મ.સ.ની ભાવના અનુસાર તેઓશ્રીને રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન (આફ્રિકા કોલોની શેરી નં.૪,પાણીના ટાંકાવાળી ગલી) ખાતે લઈ આવવામાં આવેલ.

પૂ.શ્રેયાંસીજી મહાસતિજી તેઓની અગ્લાન ભાવે અપૂર્વ  વૈયાવચ્ચ કરેલ.અનશન આરાધક આત્માને શાતા, સમાધિ આપવાનો સૌ મહાસતિજીઓ પુરૂષાર્થ કરેલ. પૂ.સુશાંતમુનિ મ સા.દરરોજ બપોરે ૩:૩૦ થી ૪:૩૦ એક કલાક સુધી આગમ ભાવોનું ચિંતન કરાવવા છેક મનહર પ્લોટ સંઘથી સાધના ભવન પધારતા. તેમ ડોલરભાઈ કોઠારીએ જણાવેલ.

રત્નકુક્ષિણી માતુશ્રી પુષ્પાબેન તથા ધર્મ પરાયણ પિતા રમણીકભાઈ અભેચંદભાઈ ગાંધી પરીવારના ખાનદાન ખોરડે વિસાવદરની પૂણ્ય ભૂમિ ઉપર પૂ.મીનળબાઈ મ.સ.નો જન્મ થયેલ.ચાર બહેન અને એક ભાઈની સાથે તેઓનો ઉછેર થયેલ.તેઓનું મૂળ વતન દીવ ( ઘોઘલા ).પરીવારજનો પોર્ટુગલ - આફ્રિકામાં વસવાટ કરતાં હતાં. તેઓનું સંસારી નામ દીનાબેન.તેઓને દીવમાં વૈરાગ્યના બીજ રોપાણા.ધર્માનુરાગી પિતા રમણીકભાઈએ પુત્રીનો દ્રઢ સંકલ્પ અને વૈરાગ્ય નિહાળી તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના ચરણોમાં નમ્ર વિનંતી કરી કે મારી દીકરી દીનાને આપના ચરણમાં અને પૂ.સન્મતિજી મ.સ.ના શરણમાં સમર્પિત કરૂ છું.

મુંબઈ ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં જ્ઞાનાભ્યાસ કર્યો. મનોજ ડેલીવાળા એ જણાવ્યું કે મુંબઈ મલાડમાં વિ.સં.૨૦૩૦ વૈશાખ સુદ દશમના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી એક સાથે નવ - નવ હળુ કર્મી આત્માઓએ સંયમનો સ્વીકાર કરેલ તેમાં આદર્શ વૈરાગી દીનાબેન એટલે કે પૂ.મીનળબાઈ સ્વામી પણ હતા.તેઓએ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કર્યું. શરીરમાં ભયંકર અશાતા વચ્ચે પણ તેઓની સમતા અને સહનશીલતા અજબગજબની છે.ગત ૨૦૧૮ ના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં  પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.નો પણ પૂ.મીનળબાઈ મ.સ.એ ઘણો લાભ લીધેલ.

શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન રાજકોટના આંગણે ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી અને પૂજયવરા મુકત લીલમ સન્મતિ ગુરૂણીના સુશિષ્યા સાધ્વી રત્ના શ્રી મિનલબાઈ મહાસતીજી તા.૨૧ગુરૂવારે સવારે ૧૧:૨૦ મિનિટે આજીવન સંથારાના પચ્ચખાણ ગુજરાત રત્ન શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ અને શ્રી પ્રભાબાઇ મહાસતીજી આદિના સાંનિધ્યે આપવામાં આવતા ૧૧:૩૭ મીનીટે નવકાર મંત્રના સ્મરણ સાથે કાળધર્મ પામેલ છે. યોગાનુયોગ ગુરૂણી મૈયા શ્રી સન્મતિ બાઈ  મહાસતીજીને પણ શ્રી ઉવસ્સગહરં સાધના ભવનમાં સંથારો આપવામાં આવેલ. સંથારા વિધિ અવસરે પ્રવીણભાઈ કોઠારી,  ચંદ્રકાંતભાઇ શેઠ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત હતા.

છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત હોવાં છતાં તેમનો સમાધિ ભાવ શ્રેષ્ઠ હતો. તેમણે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પાસે સંથારાની ભાવના વારંવાર રજુ કરેલ. આજે કોલકાતાથી વિહાર સમયે પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આજ્ઞા ફરમાવતા એમને ૧૧.૨૦ મિનિટે  સંથારો કરાવવામાં આવેલ તેમની પાલખીયાત્રા આજરોજ તા.૨૧ સાંજે ૪.૩૦ કલાકે ઉવસ્સગહરં સાધનાભવનથી પ્રયાણ કરી તપસમ્રાટ તીર્થધામ(૭, હનુમાન સામે, કુવાડવા રોડ) ખાતે લઇ જવામાં આવેલ.

 તેમની ગુણાનુવાદ સભા આવતી કાલ શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે ઉવસ્સગહરં સાધનાભવન( આફ્રિકા કોલોની શેરી નં -૪, પાણીના ટાંકાવાલી ગલી) ખાતે યોજાશે. પૂ.મીનળબાઈ મ.સ.ની સેવાભાવી ડો. પ્રદીપભાઈ તથા સાધના ભવનના ગુરૂ ભકતો સેવામાં ખડેપગે હાજર રહેલ.સાધ્વી રત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.,પૂ.સુમતિજી મ.સ.સહિત ગુરૂ પ્રાણ પરિવારના અનેક સતિવૃંદ તથા ગોં.સં.ના પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી સહિત અનેક અગ્રણીઓ સાધના ભવન ઉપસ્થિત રહેલ તેમ અલ્પેશભાઈ મોદી (મો.૯૮૨૫૨ ૨૯૫૦૪)એ જણાવ્યું હતું.

(3:41 pm IST)