સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st November 2018

મીલાદોત્‍સવમાં મુસ્‍લિમ સમાજ ઓળઘોળ

સૌરાષ્‍ટ્રભરમાં પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિ નિમિતે સર્વત્ર નિકળેલા જુલૂસ : બારદિ'ના વાઅઝની પૂર્ણાહુતિ સાથે આખો દિ' નિયાઝ વિતરણઃ વ્‍હેલી સવારે મસ્‍જીદો સલામીથી ગૂંજી ઉઠી

ધોરાજીમાં ઇદ નિમિતે ઝુલુસ : ધોરાજી : આજે ઇદ નિમિત્તે ધોરાજીમાં મુસ્‍લિમ બિરાદરો દ્વારા ભવ્‍ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૨૧: સૌરાષ્‍ટ્રભરમાં આજે ઇસ્‍લામ ધર્મના મહાન અને અંતિમ પયગંમ્‍બર હઝરત મુહમદ સાહેબની ૧૪૪૭મી જન્‍મ જયંતિની શાનદાર રીતે ઉજવણી થઇ છે. અને આ પ્રસંગે વિશેષતારૂપ સર્વત્ર ગામેગામ મુસ્‍લિમ સમાજ દ્વારા જુલૂસ નિકળ્‍યા છે.

આ તહેવાર મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો અને મહાન તહેવાર હોઇ સૌથી મોટીઇદ ગણવામાં આવે છે અને તે ઇદેમીલાદના નામે ઉજવાય છે. જેના લીધે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મુસ્‍લિમ સમાજ ઇદેમીલાદનાં ઉત્‍સવમાં ઓળઘોળ થઇ ગયો છે. ખાસ કરીને સવારના સમયે અનેક ગામોમાં જુલૂસો નિકળ્‍યા છે જયારે વેરાવળ, ધોરાજી સહિતના અમુક ગામો કે શહેરોમાં બપોરના જુલૂસો નિકળ્‍યા છે.

જો કે આ પૂર્વે ગઇરાતે આખીરાત મસ્‍જીદોનાં મીલાદ શરીફ વાઅઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો આપ્‍યા હતા અને ફરી પાછા પાંચ વાગ્‍યાથી મીલાદ શરીફ યોજાઇ હતી અને ૫.૩૦ વાગ્‍યે પેગમ્‍બર સાહેબના જન્‍મ સમયને વધાવતા તમામ મસ્‍જીદોમાં ‘‘સલામી'' અર્ર્પિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગઇરાતના ૧૨વાગ્‍યાથી યોજાયેલા વાઅઝના કાર્યક્રમની લતે લતે પૂર્ણાહૂતિ થઇ હતી એ સાથે આ જ સવારથી સર્વત્ર નિયાઝ વિતરણ થયેલ હતું.

અમદાવાદ, ભાવનગર અને રાજકોટ શહેરમાં સૌથી વિશાળ જુલૂસ નિકળ્‍યા છે અને નવા વષાો પહેરી મુસ્‍લિમો મોટી માત્રામાં જોડાયા છે. એ ઉપરાંત ઇદેમીલાદના પ્રસંગે લતે લતે તથા મકાને મકાને શણગાર કરાયો છે. અને ચોતરફ પેૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં લીલાઝંડાઓ લ્‍હેરાઇ રહ્યા છે.

વાસ્‍તવમાં ઇદેમીલાદ એક ભવ્‍ય શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવી રહયો છે જેના લીધે સર્વત્રજુલૂસમાં મોટી માત્રામાં મુસ્‍લિમોએ જોડાઇ વિના ભેદભાવે ઠંડાપીણા અને ખાણીપીણીની વિવિધ વસ્‍તુઓનું નાના-મોટા સૌને વિતરણ કરતા ભાઇચારાની ભાવના સાથે જુલૂસોનો શોભા વધી ગઇ છે.

જો કે કયાંક સવારે તો કયાંક બપોરે જુલૂસો પસાર થતા આખો દિવસ ઇદેમીલાદના ઉત્‍સવનો ચોતરફ ધમધમાટ રહયો હતો.

બીજી તરફ દરેક મસ્‍જીદોમાં પૈગમ્‍બર સાહેબના ૧૫૫૦ વર્ષથી સચવાયેલા પવિત્ર બાલ ‘‘બાલ મુબારક''ના દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્‍યા હતા.

રાજકોટમાં પણ સવારે ૮ વાગ્‍યાથી  જુલૂસો નિકળ્‍યા છે અને આ લખાય છે ત્‍યારે રાજકોટના રાજમાર્ગો ઉપરથી પસાર થઇ રહ્યાં છે.

ભાવનગર

ભાવનગર : શાનદાર ઝૂલૂસ સાથે ઇદ -એ-મિલાદની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. ઝૂલૂસમાં ઘોડે સવારો, બગી, ટ્રકો, બેન્‍ડવાજા વિગેરે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતાં. વિવિધ કલાત્‍મક ફલોટ જોડાયા હતાં.

ઇસ્‍લામનાં મહાન પયગમ્‍બર હઝરત મહંમદ સાહેબ (સ.બ.વ.)નાં જન્‍મ દિવસ નિમિતે ભાવનગરમાં આજે બુધવારે મુસ્‍લિમ સમાજ દ્વારા ઇદે-મિલાદના પર્વની ઉજવણી કરાઇ હતી. ભવ્‍ય ઝૂલૂસ સવારે ૮ વાગે યાવડી ગેટ, પીર મહમદશાબાપુની વાડીએથી શરૂ થયુ હતું અને શહેરનાં મુખ્‍યમાર્ગો પર શાનોશૌકતથી ફર્યુ હતું.

ઝૂલૂસમાં ઘોડે સવારો, ઉંટ ગાડી, બગી, ઘોડાગાડી, ટ્રકો, બેન્‍ડવાજા વિ. જોડાયા હતાં. મુસ્‍લિમ સમાજ બાળકો વેશભુષા સાથે તથા નવી સાદેલોનાં રોજાની પ્રતિકૃતિ સાથે બેનરો આ ઝૂલૂસમાં જોડાયા હતાં. ઝૂલૂસમાં જોડાયા હતાં. ઝૂલૂસમાં મહમદી બેન્‍ડ, વિવિધ કલાત્‍મક ફલોટ એ આકર્ષણ જમાવ્‍યુ હતું. આ ઝૂલૂસમાં બાળકોને ધાણી - દાળીયાનું વિતરણ કરાયુ હતું. મુસ્‍લિમો પોતાના પરંપરાગત પોષાક પહેરી આ ઝૂલૂસમાં જોડાયા હતાં. ઝૂલૂસનાં રૂટ ઉપર યુવક મંડળો દ્વારા જૂની માણેકવાડી સહિતનાં વિસ્‍તારોમાં ઠેર ઠેર ન્‍યાઝ વેચવામાં આવ્‍યો હતો.

ધોરાજી

ધોરાજી : દાઉદી વ્‍હોરા ભાઇઓ દ્વારા મોહંમદ પૈગમ્‍બર સાહેબની મિલાદની ભવ્‍ય રીતે ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે શેખ જુઝરભાઇ પનવેલ વાલાની સહારતમાં શાનદાર જુલુસમાં પારંપારિક પોષાકમાં વ્‍હોરા ભાઇઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. સંઘાડીયા બજાર સ્‍થિત બદરી મસ્‍જીદથી શરૂ થઇ શહેરની મુખ્‍ય બજારમાં ફરીને બહારપુરા સ્‍થિત તૈયબી મસ્‍જીદમાં જુલુસ સંપન્‍ન થયું હતું. જુલુસમાં મોહંમદ પૈગમ્‍બર સાહેબની શાનમાં કસીદા અને ના'તનું પઠન કરવામાં આવ્‍યું.

આ પ્રસંગે વડા ધર્મગુરૂ મોહંમદ બુરહાનુદીન સાહેબના દી. સ. ૧૪રપ ના કુવૈત ખાતેનું પ્રવચન રિલે કરવામાં આવ્‍યું.

સૈયદના સાહેબે પોતાના અનુયાયીઓને શીખ આપતા ફરમાવ્‍યું કે તમે બેહતર અખ્‍લાકથી જીવન જીવો, તમારા ઘરોને મોહલ્લાને સ્‍વચ્‍છ રાખો, ઇમાનદારીથી વેપાર કરો, ઘરોમાં સાદગીપુર્ણ ખુશહાલ ઝીંદગી જીવો, હળી-મળીને રહો, જરૂરીયાતવાળા લોકોને મદદ કરો. યુવા વર્ગને શીખ આપતા સૈયદના સાહેબ ફરમાવ્‍યું કે મા-બાપ અને વડીલોને માન આપો. તેમણે પ્રેમ, સત્‍ય, શાંતી, ભાઇચારાની શિખામણ આપી હતી.

મિલાદુન્નીબીની ઉજવણીના ભાગરૂપ ન્‍યાઝનું આયોજન કરવામાં આવેલ હતું. મસ્‍જીદો અને ઘરોને લાઇટથી શણગારવામાં આવ્‍યા હતાં.

(11:24 am IST)