સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

જુનાગઢમાં નવરાત્રી પર્વ નિમિત્તે ૧૩ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા

જુનાગઢ મહિલા લેઉવા પટેલ મહિલા મંડળ અને આહિર મહિલા મંડળ દ્વારા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૧ : માતાજીની આરાધનાના નવરાત્રિના પાવન પર્વમાં દરવર્ષની પરંપરા મુજબ જરૂરિયાતમંદ અને વિધવા બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને આહિર મહિલા મંડળના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આઠ વિધવા અને બે દિવ્યાંગ મળી કુલ ૧૩ બહેનોને દાતાઓના સહયોગથી સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

અવધુત આશ્રમ ખાતે યોજાયેલા સિલાઈ મશીન અર્પણ કરવાના આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ મહિલા મંડળ તથા આહિર મહિલા મંડળ દ્વારા હાથ ધરાયેલી આ પ્રવૃત્ત્િ। સમાજના ઘણા પરિવારોને આત્મનિર્ભર બનાવવાનો સારો પ્રયાસ બની રહેશે.

જૂનાગઢના અગ્રણી સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪૫૨૫ બહેનોને લેઉવા પટેલ મહિલા મંડળના માધ્યમથી દાતાઓના સહયોગથી સિલાઈ મશીન અર્પણ કરાયા છે. જેના થકી સેંકડો બહેનો રોજગારી મેળવી પોતાના પરિવારનો ઉત્કર્ષ કર્યો છે. દરવર્ષે નવરાત્રિ દરમિયાન એક નોરતાના એક સીલાઈ મશીન મુજબ દસ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. 

આ કાર્યક્રમમાં મહાનગર પાલિકાના શાસકપક્ષના નેતા નટુભાઈ પટોળિયા, કોર્પોરેટર શોભનાબેન પીઠીયા, હંસાબેન ડાંગર, અગ્રણી ભાવેશભાઈ કાતરીયા, પ્રવિણભાઈ જોશી , દિલીપભાઈ ગલ વગેરેએ હાજર રહીને કાર્યક્રમ અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. આહિર સમાજના અગ્રણી હમીરભાઈ રામે જણાવ્યું હતું કે, હરસુખભાઈ અને લેઉવા પટેલ મહિલા મંડળના આ ઉમદા કાર્યમાંથી બધાએ પ્રેરણા લેવા જેવી છે. સમાજના ભામાશાઓ પાસેથી દાન મેળવીને જરૂરિયાતમંદ બહેનો સુધી યોગ્ય સહાય પહોંચાડવા માટે મદદરૂપ બનીશું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલ્પનાબેન જલુએ તથા સંચાલન વનીતાબેન રાવલીયા અને નિલેશભાઈ કરંગીયા દ્વારા કરાયું હતું.  આભારવિધિ ડો.કોઠીવાર મેડમ દ્વારા કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડુંદનબેન સોલંકી, લક્ષ્મીબેન રાવલીયા , પિયુષાબેન કોઠીવાર, રસિલાબેન કુવાડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:58 pm IST)