સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

જામનગરમાં પરસ્ત્રીએ પત્નિ હોવાનો દાવો કરીને યુવક અને પરિવારને ધમકાવ્યાઃ ખૂનની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧:  અહીં રર દિગ્વિજય પ્લોટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ તન્ના ઉ.વ. ૩૧ એ  પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૦ ના રોજ આ કામેના આરોપી ચેતનાબેન બળવંતરાય ઈલસાણીયા રહે. રણજીતનગરવાળા ફરીયાદીની એજન્સી તથા ઘર પાસે જઈ ફરીયાદીને હેરાન પરેશાન કરતા હોય અને ફરીયાદી સાથે સંબંધ રાખવાનું કહેતા હોય અને આ વખતે ફરીયાદીના ઘરે ફરીયાદીની માતા તથા પત્નિને ગાળો આપેલ હોય અને ફરીયાદી સાથે લગ્ન થયેલ છે તેવો ખોટો આરોપ નાખી ફસાવતા હોય તથા ફરીયાદી સાથે નહીં રહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

બે શખ્સોએ બે મહિલા સહિત ત્રણને માર માર્યો

અહીં પંચવટી ભગવતી એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦ માં રહેતી  રાધાબેન જીતેન્દ્રભાઈ વિઠલાણી ઉ.વ. ૩૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૦ ના રોજ ફરીયાદી બકાલુ લઈ પોતાના ઘરે આવતા હોય ફરીયાદીના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જાહેરમાં કોઈ વ્યકિત જોર જોરથી ગાળો બોલતા હોય જેથી ફરીયાદી પાર્કિંગમાં જતા આ કામના આરોપી માતંગ તથા યોગરાજસિંહ ચુડાસમા બન્ને સાહેદ આકાશભાઈ વેદને જાહેરમાં ગાળો આપી તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જે અંગે ફરીયાદી તેઓને અહીં અસભ્ય વર્તન ન કરવા જણાવતા બન્ને જણાએ ફરીયાદીને ગાળો આપી યોગરાજસિંહ ચુડાસમાએ ફરીયાદીનો અંબોડો પકડી બે ઝાપટ મારી ફરીયાદી ઉપર નિર્લજ હુમલો કરી ફરીયાદી ત્યાંથી ભાગી તેના દિયર તથા સાસુને બોલાવી લાવતા આ બને  જણાએ તેની સાથે પણ હાથાફાઈ કરી તેઓને માર મારી ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.

મોબાઈલ ફોન વડે મેચનો જુગાર રમતા બે ઝડપાયા : ત્રણ ફરાર

જામનગર :  સીટી બી ડિવિઝનના પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.ગરચરએ તા.ર૧ ના રોજ પટેલ કોલોની શેરી નં. ૬ ઝીલ એન્ટરપ્રાઈઝ દુકાનની બહારથી આ કામેના આરોપી લવેશ કાંતીભાઈ વ્યાસ, કપીલ વિનોદભાઈ નથવાણીને જાહેરમાં દિલ્હી કેપીટલ તથા કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાતા ર૦–ર૦ મેચ મોબાઈલ ફોનમાં લાઈવ નિહાળી મોબાઈલ ફોન ઉપરથી આરોપી રીતેશ રાયઠઠા સાથે મેન્યુલ સોદો તેમજ અન્ય આરોપીઓ સાથે કપાત કરી કરાવી સેશન હારજીતનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન લવેશ અને કપીલને પકડી પાડયા હતા.

ખીજડીયામાંથી બે બોટલ દારૂ સાથે ઝડપાયો

પંચ એ ડીવીઝનના લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયાએ તા. ર૧ ના રોજ ખીજડીયા ગામેથી આ કામેના આરોપી ભાવેશ કિશોરભાઈ એરડીયા ઉ.વ. ર૬ ને તેમના કબજામાંથી ઇગ્લીશ દારૂની બે બોટલ કિંમત રૂ. ૧ હજાર સાથે ઝડપી પાડયો હતો.

જુગારધામ ઝડપાયુ

એલ.સી.બી.ના ડી.એન. તલાવડીયાએ તા. ર૦ ના રોજ બાતમીના આધારે ભાવસાર ચકલો બીબોડીફળીમાં રહેતા જુલ્ફીકાર કુતબઅલી શેખના રહેણાંક મકાને રેઈડ પાડી ત્યાં જુગાર રમી રહેલા ઈકબાલ દાઉદભાઈ શુલીયા, રમેશ હીરાભાઈ પનારા, હરેશ જયસુખભાઈ ત્રિવેદી, મયુર બુધાભાઈ કારેથા, ધીરૂભાઈ બચુભાઈ જાદવ, નજીરભાઈ ઉર્ફે એટીંગ ઓસમાણભાઈ સમાને રોકડ રૂ. ૧,૦૩,૪૦૦ તથા મોબાઈલ–૬ કિંમત રૂ. ૧ર હજાર મળી કુલ રૂ. ૧,૧પ,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા

(12:57 pm IST)