સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st October 2019

પોરબંદરની બજારોમાં દિવાળી ટાણે રાત્રે અંધારા : ૧૫ દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ

ધી ગ્રેટ ચેમ્બર દ્વારા પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત

પોરબંદર તા.૨૧ : ધી ગ્રેટ ચેમ્બર દ્વારા ચીફ ઓફીસરને રજૂઆતમાં બજાર અને વેપારી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય તે તાત્કાલીક ચાલુ કરાવવા માંગણી કરી છે.

એમ.જી.રોડ ડ્રીમલેન્ડ સિનેમાથી માણેક ચોક, બંગડીબજાર, કેદારેશ્વર રોડ, સુતારવાડા વિસ્તાર સહિતના વેપારી વિસ્તારોમાં તાજેતરમાં દુકાનોના તાળા તૂટયાના ગંભીર બનાવો બનેલા છે ત્યારે રાત્રે ચેમ્બરના મારા પ્રમુખ સહિત ઉપપ્રમુખ વેજાભાઇ ઓડેદરા, જીતુભાઇ દતાણી સહિતના સભ્યો આ સમગ્ર વિસ્તારમાં રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા સમગ્ર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો સતત પેટ્રોલીંગમાં હોવાનુ જણાયેલ હતુ પરંતુ આ સમગ્ર વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સમગ્ર વિસ્તારમાં અંધારપટ હતો અને આ રીતે પોલીસના સતત પેટ્રોલીંગ છતા પણ અંધારાનો લાભ ચોરી કરનાર ટોળકીને સરળતાથી મળી રહે તેમ જોવા મળતુ હતુ આ બાબતે પીઆઇ સાથે વાત કરેલ છેલ્લા ૧૫ દિવસથી આ સમગ્ર વિસ્તારથી સ્ટ્રીટ લાઇટો બંધ છે અને સમગ્ર વિસ્તારમાં અંધાર પટ ફેલાયેલો છે.

વેપારી વિસ્તાર ડ્રીમ લેન્ડ સિનેમાથી માણેક ચોક, ઝવેરીબજાર, શીતલાચોક, સુતારવાડા, કેદારેશ્વર રોડ, બંગડી બજાર, લીબર્ટી રોડ, સુદામારોડ, હનુમાનગુફા પોલીસ, ચોકીથી રાણીબાગ થી પોસ્ટ ઓફીસ, વિસ્તારની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા દિવસથી બંધ રહે છે અને હાલ દિવાળી જેવો મુખ્ય તહેવાર શરૂ થવાનો છે ત્યારે શહેરને ઝળહળતુ રાખવાને બદલે અંધારપટમાં ફેરવી નાખવુ કેટલુ વ્યાજબી કહેવાય જેથી તાત્કાલીક અસરથી આ સમગ્ર વિસ્તાર અને શહેરના અન્ય જે જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોય તે તાત્કાલીક ચાલુ કરાવી દેવામાં આવે તેવી માંગણી છે. એક અંદાજ મુજબ શહેરમાં ૨૫૦૦ જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં  છે અને તેમાં શહેરના મુખ્ય તમામ વિસ્તારો સહિત શહેરના અંતળીયાર વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

આ બાબતે ઉપર ગંભીરતાથી તાત્કાલીક પુરતુલક્ષ આપી વહેલામાં વહેલીતકે પોરબંદરના શહેરી વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પગલા અને ચોરી જેવા ગંભીર ગુન્હાઓ બનતા અટકે, કારણે કે, પોલીસનું સતત પેટ્રોલીંગ હોવા છતા અંધારાનો લાભ લેવા આવા ચોર લોકોને મળી જતો હોય જેને લઇને દુકાનોના તાળા તુટવાના ગંભીર બનાવો બની રહ્યા છે તેમ રજૂઆતમાં ધી ગ્રેટ ચેમ્બરના પ્રમુખ અજયભાઇ ચોટાઇએ જણાવેલ છે.

(11:43 am IST)