સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

જુનાગઢ બાયપાસ રોડ માટે રૂા.૮ કરોડની ગ્રાન્‍ટ મંજુર કરાવતા સાંસદ રાજેશ ચુડાસમા

જુનાગઢ વાડલા ફાટકથી નવા રોડનું મેયરના હસ્‍તે ખાતમુહુર્ત કરાયુ

 જુનાગઢ તા.ર૧ :  ચાલુ સાલે વધુ વરસાદ પડવાના કારણે સમગ્ર દેશ તથા રાજયમાં નેશનલ હાઇવે સ્‍ટેટ હાઇવે તથા શહેરોના રસ્‍તાઓ તુટી ગયા છે. આ રસ્‍તાઓ ચોમાસુ લંબાતા રીપેર થઇ શકયા નથી. જે સુવિહિત છે. જેના કારણે લોકોએ ખુબ જ પરેશાની ભોગવેલ છે.

જુનાગઢ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે હસ્‍તકના બાયપાસ રોડ પણ બીસ્‍માર તથા દર વરસે તુટતો હતો. શાપુર પુલથી ભેંસાણ ચોકડી સુધીનો અંદાજીત ર૦ કિ.મી.નો રસ્‍તો સીટીમાંથી પસાર થાય છે. તે પૈકી ૪.પ૦  કી.મી. જે વધુ ડેમેજ થયેલ હતો તે બાયપાસ રોડ બનાવવા અગાઉ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતીનભાઇ ગડકરી (જાહેર રસ્‍તા મંત્રીશ્રી) તથા રાજય સરકાર અને નેશનલ હાઇવે ઓથોરીટીમાં રજુઆત કરી રૂા.૧૦ કરોડ મંજુર કરાવેલા હતા. જે કામ હાલ ચાલુ છે. ૮૦ ટકા કામ પુરૂ થયુ છે.

જયારે ર૦ કિ.મી. પૈકી બાકી ૧પ.પ કિ.મી. રોડ રીપેરંગ કરવો બાકી રહેતા આ કામ માટે ફરી સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ રજુઆત કરી રૂા.૮ થી ૯ કરોડ મંજુર કરાવેલ છે. આમ ર૦ કિ.મી.નો સીટીમાંથી પસાર થતો રસ્‍તો હવે સંપુર્ણ પણે રીપેરીંગ કરવામાં આવશે.

વાડલા ફાટક થી આ કામની શરૂઆત જુનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ તથા મહાનુભાવોના હસ્‍તે પુજાવિધી મુહુર્ત કરી કામ ચાલુ કરાવેલ છે. જે ટુંક સમયમાં પુરૂ કરવામાં આવશે. સાંસદ શ્રી લોકસભા ચાલુ હોવાથી હાજર રહી શકયા નથી. પરંતુ જુનાગઢ શહેરની જનતા વતી મેયર ધીરૂભાઇ ગોહેલ અને શ્રી રાજેશભાઇ ચુડાસમાનો આભાર વ્‍યકત કરી અભિનંદન પાઠવેલ છે.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી શશીકાંતભાઇ ભીમાણી, ઙે.મેયરશ્રી હેમાંશુભાઇ પંડયા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષના નેતાશ્રી નટુભાઇ પટોળીયા, મહામંત્રી પુનીતભાઇ શર્મા, શહેરના આગેવાન અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરો ઉપસ્‍થિત રહયા હતા.

(1:38 pm IST)