સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

જુનાગઢમાં રાત્રે મીની વાવાઝોડા વરસાદ બાદ બીજા દિવસે સામાન્ય વાતાવરણ

ઝંઝાવાતી પવને લોકોને એક કલાક બાનમાં લીધા

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૧ :  જુનાગઢમાં રાત્રે મીની વાવાઝોડા સાથે થયેલા વરસાદ બાદ આજે બીજા દિવસે સવારથી એકંદરે સામાન્ય વાતાવરણ પ્રવર્તે છે.

ગઇકાલે સાંજે જુનાગઢ  સહિતના વિસતારોમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. જેમાં માણાવદરમાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો હતો.

જયારે કેશોદમાં રર મીમી, જુનાગઢ ૧ર, ભેંસાણ ૪૩, માળીયા ૧૬, વંથલી ૧ઠ અને વિસાવદરમાં ૧૮ મીમી મળી કુલ ર૧પ મીમી વરસાદ નોંધાયો હતો.

પરંતુ મધરાત્રે જુનાગઢ સહિતના વિસ્તારોમાં ફરી વાવાઝોડુ ફુકાયુ હતુ અને વરસાદ શરૂ થયો હતો. ઝંઝાવાતી પવને એક કલાક સુધી જુનાગઢવાસીઓને બાનમાં લીધા હતા. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.

જો કે ૬૦ મીનીટ બાદ હળવા વરસાદ મીની વાવાઝોડું શાંત થઇ ગયુ હતુ. જેમાં કેટલુક નુકસાન પણ થયુ હતુ. આજે સવારથી જુનાગઢમાં સામાન્ય વાતાવરણ છે. જો કે સવારના ૬ થી૮માં મેંદરડા ખાતે ૩ મીમી વરસાદ નોંધાયો હતો.

(1:14 pm IST)