સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st September 2018

ધોરાજીમાં નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ મોત

લોહીલુહાણ હાલતમાં બંધ મંદિરની અંદરથી લાશ મળી : મોતના કારણ અંગે તપાસ

પ્રથમ તસ્વીરમાં મહંતનો ફાઇલ ફોટો બીજી તસ્વીરમાં મંદિરે ઉમેટેલા ભકતો નજરે પડે છે.

ધોરાજી તા.૨૧: ધોરાજીના નરસંગ મંદિરના મહંતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુના મોતથી ભાવિકોમાં ઘેરો શોક છવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર સફુરા નદીના પુલ નીચે આવેલા શ્રી નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુનો મૃતદેહ મંદિરની અંદર લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની જાણ ધોરાજી પાલિકા પ્રમુખ બી.એલ. ભાસાએ પોલીસને કરી હતી.

જેથી જેતપુરના ડીવાયએસપી શ્રી ભરવાડ, પી.આઇ. શ્રી ઝાલા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

મૃતક પૂ. લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો છે. જો કે મંદિર બંધ હાલતમાં હતુ અને તેના શરીર પાસે રહેલ એક કપડુ સળગેલી હાલતમાં મળ્યું છે તેથી મહંતની હત્યા થઇ છે કે અન્ય કોઇ રીતે મોત થયું છે? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહંત લાલદાસબાપુએ ઘણા વર્ષો પહેલા અહી આવીને અવાવરૂ જગ્યા ઉપર થતા અસામાજીક કામ બંધ કરાવ્યા હતા અને અહીં આશ્રમનું નિર્માણ કર્યુ હતું.

(3:35 pm IST)