સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st July 2018

કુતિયાણાના જુણેજ તળાવમાં ગાબડું: ખેતી જમીન તથા અડવાણામાં શ્રમયજ્ઞથી બનાવેલ પુલનું ધોવાણ

પોરબંદર અને ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ તારાજીઃ પોરબંદરથી નાયબ કલેકટર ટી.ડી.ઓ દોડી ગયા : ઘેડા મંડરે અને કડછમાં વરસાદ બાદ કલાકો સુધી સંપર્ક તુટી ગયેલઃ ભાવપરામાં ખેતરોમાં પાણી

પોરબંદર તા.૨૧: પોરબંદરમાં આજે સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨ દિવસમાં ભારે વરસાદ બાદ સર્જાયેલ સ્થિતિ જાણવા ગઇકાલે પોરબંદરથી નાયબ કલેકટર શ્રી બાટી તથા ટી.ડીઓ સહિત અધિકારીઓ પોરબંદર અને ઘેડ પંથકમાં દોડી ગયેલ હતા.

કુતિયાણાના જુણેજ તળાવમાં ગાબડું પડતા ૫૦૦ વિઘા ખેતીની જમીનનું ધોવાણ થયેલ તેમજ અડવાણામાં શ્રમયજ્ઞથી લોકોએ બનાવેલ પુલનું ભારે વરસાદમાં ધોવાણ થઇ ગયું હતું.

પોરબંદરના ભાવપરામાં ખેતરોમાં ધોવાણ થતા નુકસાન થયેલ છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંદેશો મળેલ કે ગઇકાલે ભાદર ઓઝત મધુવન નદીઓના નીર ઘેડ પંથકમાં ફરી વળતા મૈયારી, બળેજ અમીપુર વગેરેમાં એલર્ટ કરાયેલ છે.

માધવપુર ઘેડના રામદેવપીર મંદિર ચોક છલોછલ ભરાય જતા યુવાનોએ નહાવાની મોજ માણી હતી. હાઇવે ઉપર તથા ગામની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટથી જુની પોલીસ ચોકી રોડ ઉપર ગઇકાલે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ચોપાટી સામે એક એપાર્ટમેન્ટમાં ઇલે.મીટરમાં શોર્ટ થતા સળગવા લાગ્યુ હતું.

ફાયર બ્રીગેડ સમયસર આવીને આગ બુઝાવી હતી.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ ૩૪ મીમી (૩૪૮ મીમી) રાણાવાવ શુન્ય  (૩૩૮ મીમી) કુતિયાણા શૂન્ય (૩૨૨ મીમી), ખંભાળા જળાશય નવા પાણીની આવક ૪ ઇંચ કુલ સપાટી ૧૧,૪ ફુટ, ફોદાર જળાશય ૧,૧ ફુટ નવુ પાણી કુલ સપાટી ૨૦,૪ ફુટ પહોચી છે.

(12:58 pm IST)